ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેની સંભવિત મુક્ત વેપાર સમજૂતી (FTA) બંનેના સંબંધો માટે “ગેમ-ચેન્જર” સાબિત થશે અને ભારત નિર્ધારિત ટૂંકી સમયમર્યાદામાં આ કરાર માટે વાટાઘાટ પ્રક્રિયા પૂર્ણ કરવા આતુર છે, એમ વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું. ભારત અને યુરોપ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2021-22ના નાણાકીય વર્ષમાં 115 અબજ ડોલરનો રહ્યો હતો.
ભારતીય ઉદ્યોગ મહામંડળ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના એક કાર્યક્રમમાં સંબોધન કરતાં જયશંકરે કહ્યું હતું કે યુરોપ અને ભારત નિર્ભરતા ઘટાડીને, મહત્ત્વની ટેક્નોલોજીઓ પર સહકાર સાધીને અને સપ્લાય-ચેઈન પુનર્ગઠિત કરીને એકબીજાની વ્યૂહાત્મક સ્વાયત્તતાને મજબૂત કરી શકે છે. ક્ષમતા નિર્માણ ભારત-યુરોપ સહયોગને ટકાવી રાખવા માટે ચાવીરૂપ રહેશે.
તેમણે જણાવ્યું હતું કે અમને અપેક્ષા છે કે ભારત-યુરોપ FTA બંને વચ્ચેના સંબંધો માટે ગેમ-ચેન્જર હશે. અમે ટૂંકા સમયગાળામાં વાટાઘાટો પૂર્ણ કરીને પરસ્પર ફાયદાકારક નિષ્કર્ષ માટે આતુર છીએ. નજીકના ભવિષ્યમાં વાર્ષિક છ ટકાથી વધુ આર્થિક વૃદ્ધિ જાળવી રાખનારી ભારત એકમાત્ર મોટી અર્થવ્યવસ્થા બનવાની ધારણા છે અને આ રીતે તે વિશ્વના મુખ્ય વૃદ્ધિ એન્જિનોમાંનું એક હશે.
ગયા વર્ષે જૂનમાં ભારત અને યુરોપિયન યુનિયને આઠ વર્ષથી વધુના અંતરાલ પછી પેન્ડિંગ વેપાર અને રોકાણ કરાર માટે વાટાઘાટો ફરી શરૂ કરી હતી. આ સમજૂતી માટે મંત્રણાઓ જૂન 2007માં થઈ હતી અને ઘણા અવરોધ આવ્યા છે. બંને પક્ષો વચ્ચે મહત્ત્વના મુદ્દા અંગે મોટા મતભેદ પણ ઊભર્યા હતા.
ઇન્ડિયા યુરોપ બિઝનેસ એન્ડ સસ્ટેનેબિલિટી કોન્ક્લેવમાં જયશંકરે જણાવ્યું હતું કે ભારતે વેપાર સમજૂતીઓ માટે નવો અભિગમ અપનાવ્યો છે, જે નોન ટેરિફ અને સીમા પારના અવરોધનો ઉકેલ લાવે છે. સમાન વિચાર ધરાવતા ભાગીદારો સાથે અમે ખરેખર તાજેતરના વર્ષોમાં અમારી FTA વાટાઘાટો પ્રક્રિયામાં ઝડપી-ટ્રેક પરિવર્તન કર્યું છે. UAE અને ઓસ્ટ્રેલિયા સાથે FTA ખરેખર રેકોર્ડ સમયમાં પૂર્ણ થયા હતા.