ઈંગ્લેન્ડના પ્રવાસે આવેલી ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા કોરોનાથી ચેપગ્રસ્ત થતાં તેને હોટેલમાં તેના રૂમમાં આઈસોલેશનમાં રખાયો છે. શનિવારે (25 જુન) તેનો રેપિડ એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. એ પછી રોહિત શર્મા હવે બીસીસીઆઈની મેડીકલ ટીમની દેખરેખ હેઠળ છે.
રોહિત શર્મા લેસ્ટર સામેની ચાર દિવસની મેચમાં રમતો હતો પણ ત્રીજા દિવસે તે બેટિંગ કરવા ઉતર્યો નહોતો. તેના બદલે એસ. ભરત ઓપનિંગ કરવા ઉતર્યો હતો. પહેલી ઈનિંગમાં રોહિત ઓપનિંગમાં રમ્યો હતો.
ભારતીય ટીમ 1 જુલાઈથી એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ સામે એક ટેસ્ટ મેચ રમવાની છે. ટીમના રેગ્યુલર ઓપનિંગ બેટર કે. એલ. રાહુલ તો ઈંગ્લેન્ડના પ્રવાસે આવ્યો જ નથી. તે કમરની ઈજાના કારણે આરામમાં છે. ગયા વર્ષે કોરોનાના જોખમના કારણે ઈંગ્લેન્ડ – ભારતની પાંચમી અને છેલ્લી ટેસ્ટ સ્થગિત કરવી પડી હતી.