સૂર્યકુમાર યાદવની ઝંઝાવાતી સદી (૫૫ બોલમાં ૧૧૭) છતાં ભારત માટે ત્રીજી અને છેલ્લી ટી-20માં 216 રનનો વિજયનો ટાર્ગેટ પહોંચની બહારનો સાબિત થયો હતો અને 0-2થી પાછળ રહેલા ઈંગ્લેન્ડે છેલ્લી મેચમાં ભારતને 17 રને હરાવ્યું હતું. જો કે, એ પહેલા ભારતે બે મેચમાં 50 અને 49 રને વિજય સાથે સીરીઝનો વિજય હાંસલ કરી લીધો હતો.
રવિવારે નોટિંગહામમાં રમાયેલી છેલ્લી ટી-20 મેચમાં ભારતે તેના ચાર મુખ્ય બોલર્સને આરામ આપ્યો હતો અને કદાચ તેના પગલે જ ઈંગ્લેન્ડ સાત વિકેટે 215 રન જેટલો જંગી સ્કોર ખડકી શક્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ મલાને 39 બોલમાં 77 તથા લીઆમ લિવિંગસ્ટને 29 બોલમાં અણનમ 42 કર્યા હતા. ભારતનો નવોદિત ફાસ્ટ બોલર ઉમરાન મલિક ચાર ઓવરમાં 56 રન આપી સૌથી મોંઘો સાબિત થયો હતો, તો રવિન્દ્ર જાડેજાએ એકપણ વિકેટ લીધા વિના ચાર ઓવરમાં 45 અને આવેશ ખાને ચાર ઓવરમાં 43 રન આપી એક વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈએ 30 અને હર્ષલ પટેલે 35 રન આપી બે-બે વિકેટ લીધી હતી.
ભારત માટે 216ના ટાર્ગેટ સામે શરૂઆત સાવ નબળી રહી હતી અને પાંચ ઓવર્સમાં તેણે ફક્ત 31 રન કરી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. એ પછી શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવે ચોથી વિકેટની ભાગીદારીમાં 119 રન કર્યા હતા. ઐયર વ્યક્તિગત રીતે જો કે ખાસ સફળ રહ્યો નહોતો, તેણે 23 બોલમાં 28 રન કર્યા હતા. આ બન્ને સિવાય સુકાની રોહિત શર્મા અને વિરાટ કોહલીના 11-11 રન ભારત માટે બે આંકડાના નામના સ્કોર રહ્યા હતા. ઈંગ્લેન્ડના સૌથી મોંઘા બોલર ડેવિડ વિલીએ ચાર ઓવરમાં 40 રન આપ્યા હતા, તો રીસ ટોપ્લીએ ચાર ઓવરમાં 22 રન આપી ત્રણ વિકેટ ખેરવી હતી. ભારત એકંદરે 9 વિકેટે 198 રન જ કરી શક્યું હતું.
ભારતે આ મેચમાં હાર્દિક પંડયા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલને આરામ આપ્યો હતો.
બીજી ટી-20માં ભારતનો 49 રને વિજયઃ
બર્મિંગહામમાં શુક્રવારે રમાયેલી બીજી ટી-20માં ભારતે ઈંગ્લેન્ડને 49 રને હરાવ્યું હતું. ઈંગ્લેન્ડે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગ લેવા કહ્યું હતું અને ભારત 20 ઓવરમાં 8 વિકેટે 170 રન કરી શક્યું હતું. આ સ્કોર ખાસ પડકારજનક લાગતો નહોતો, પણ ભૂવનેશ્વર કુમારની વેધક બોલિંગ અને પછી બેટિંગમાં ધબડકાના પગલે ઈંગ્લેન્ડ તો 17 ઓવરમાં ફક્ત 111 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ, 29 બોલમાં અણનમ 46 રન કર્યા હતા, તો એ સિવાય રોહિત શર્માના 31 અને ઋષભ પંતના 26 મુખ્ય રહ્યા હતા. ઈંગ્લેન્ડે સાત બોલર અજમાવ્યા હતા અને તેમાંથી ફક્ત બે – ક્રિસ જોર્ડન (ચાર ઓવરમાં 27 રન, ચાર વિકેટ) અને રીચાર્ડ ગ્લીસન (ચાર ઓવરમાં એક મેઈડન, ફક્ત 15 રન, ત્રણ વિકેટ) સફળ રહ્યા હતા.
જવાબમાં ઈંગ્લેન્ડની શરૂઆત પણ ખરાબ રહી હતી અને એ ધબડકામાંથી તે બહાર જ આવી શક્યું નહોતું. ભૂવીએ પહેલા જ બોલે જેસન રોયની વિકેટ ખેરવી હતી, તો બીજી ઓવર (ઈંગ્લેન્ડની ઈનિંગની ત્રીજી ઓવર) માં તેણે સુકાની-વિકેટકીપર-ઓપનર જોસ બટલરને પેવેલિયન ભેગો કર્યો હતો. તેણે એકંદરે ત્રણ ઓવરમાં એક મેઈડન સાથે 15 રન આપી ત્રણ વિકેટ ખેરવી હતી. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ સૌથી વધુ 35 અને ડેવિડ વિલીએ અણનમ 33 રન કર્યા હતા. તે સિવાય એકમાત્ર ડેવિડ મલાન (19) બે આંકડાના સ્કોરમાં પહોંચ્યો હતો. ભારત તરફથી ભૂવીની ત્રણ ઉપરાંત બુમરાહ – ચહલે બે-બે અને હાર્દિક પંડ્યા તથા હર્ષલ પટેલે 1-1 વિકેટ લીધી હતી. ભૂવીને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
પહેલી ટી-20માં ભારતનો 50 રને વિજયઃ
ગુરૂવારે (તા. 7 જુલાઈ) સાઉધમ્પ્ટનમાં રમાયેલી પહેલી મેચમાં ભારતે 8 વિકેટે 198 રન કર્યા હતા, પણ પછી ઈંગ્લેન્ડને તેની ઈનિંગની છેલ્લી ઓવરમાં ફક્ત 148 રનમાં ઓલઆઉટ કરી દઈ 50 રને વિજય નોંધાવ્યો હતો. આ મેચમાં રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો. હાર્દિક પંડ્યાના 51 રન મુખ્ય રહ્યા હતા, તો દીપક હુડાએ 33 અને સૂર્યકુમાર યાદવે 39 રનનો ફાળો આપ્યો હતો. ઈંગ્લેન્ડે આ મેચમાં સાત બોલર અજમાવ્યા હતા અને ક્રિસ જોર્ડન (ચાર ઓવરમાં 23 રન, બે વિકેટ) સૌથી વેધક રહ્યો હતો, તો મોઈન અલીએ બે ઓવરમાં બે વિકેટ ખેરવી હતી, પણ 26 રન આપી સૌથી મોંઘો સાબિત થયો હતો.
ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ સૌથી વધુ, 36 રન કર્યા હતા, તો હેરી બ્રુકે 28, ક્રિસ જોર્ડને અણનમ 26 તથા ડેવિડ મલાને 21 રન કર્યા હતા. અક્ષર પટેલ ભારત માટે સૌથી મોંઘો બોલર (બે ઓવરમાં 23 રન) સાબિત થયો હતો, તો હાર્દિક પંડ્યાએ ચાર ઓવરમાં 33 રન આપી ચાર વિકેટ ખેરવી હતી અને આ ઓલરાઉન્ડ દેખાવ બદલ તેને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.