ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોનો હાથ હોવાનો ગંભીર આક્ષેપ કરીને મોટો વિવાદ ઊભો કરનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સાન હવે ઠેકાણ આવી છે. તેમણે જણાવ્યું હતું કે ભારત ઉભરતી આર્થિક તાકાત છે અને મહત્ત્વનો ભૂરાજકીય ખેલાડી છે, તેથી કેનેડા ભારત સાથે ગાઢ સંબંધો કેળવવા માટે ખૂબ જ ગંભીર છે. જોકે તેઓ ઇચ્છે કે નવી દિલ્હી નિજ્જરની હત્યાની તપાસમાં સહકાર આપે.
કેનેડાના નેશનલ પોસ્ટ અખબારના અહેવાલના અહેવાલ મુજબ ટ્રુડોએ મોન્ટ્રીયલમાં કહ્યું હતું કે ભારત વિરુદ્ધ વિશ્વસનીય આરોપો હોવા છતાં કેનેડા તેની સાથે ગાઢ સંબંધો બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ માને છે કે વૈશ્વિક મંચ પર ભારતના મહત્ત્વમાં વધારો થઈ રહ્યો છે, તેથી કેનેડા અને સાથી દેશો ભારત સાથે રચનાત્મક અને ગંભીરતાપૂર્વક સંપર્ક રાખે તે અત્યંત મહત્વપૂર્ણ છે. ભારત એક ઊભરતી આર્થિક તાકાત અને મહત્વપૂર્ણ ભૂરાજકીય ખેલાડી છે. અમે ગયા વર્ષે અમારી ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના રજૂ કરી હતી, તે મુજબ અમે ભારત સાથે ગાઢ સંબંધો બનાવવા માટે ખૂબ જ ગંભીર છીએ. આની સાથે ટ્રુડોએ જણાવ્યું હતું કે અમારે એ વાત પર ભાર મૂકવાની જરૂર છે કે ભારતે કેનેડા સાથે કામ કરવાની જરૂર છે, જેથી અમને આ બાબતના સંપૂર્ણ તથ્યો મળે.
કેનેડીયન વડાપ્રધાને દાવો કર્યો હતો કે તેમને અમેરિકા તરફથી ખાતરી મળી હતી કે યુએસ વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન ગુરુવારે વોશિંગ્ટનમાં ભારતના વિદેશ પ્રધાન સાથેની બેઠક દરમિયાન નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકાનો મુદ્દો ઉઠાવશે. જોકે અમેરિકાના વિદેશ મંત્રાલયે બ્લિંકન અને જયશંકર વચ્ચેની બેઠકમાં ભારત-કેનેડા વિવાદની ચર્ચા થઈ હોવા અંગે કોઇ સ્પષ્ટતા કરી ન હતી.