(istockphoto.com)

ભારતમાં કોરોનાકાળમાં નબળી પડેલી અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેતો મળી રહ્યા છે. ઓક્ટોબરમાં જીએસટીની આવક રૂ. 1.3 લાખ કરોડને વટાવી ગઇ છે. GST લાગુ થયા પછી એક મહિનામાં નોંધાયેલી આ બીજી સૌથી વધુ આવક છે. GSTની આવક ગત મહિના કરતાં 24 ટકા અને વર્ષ 2019-20 દરમિયાન ઓક્ટોબરની આવક કરતાં 36 ટકા વધુ છે. આ સતત ચોથો મહિનો છે જ્યારે જીએસટી આવક રૂ. એક લાખ કરોડથી વધુ રહી છે.
ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ઓક્ટોબર 2021માં GSTની આવક રૂ. 1,30,127 કરોડ થઇ હતી. જેમાં CGST રૂ. 23,861 કરોડ, SGST રૂ. 30,421 કરોડ, IGST રૂ. 67,361 કરોડ (માલની આયાત પર વસૂલાયેલા રૂ. 32,998 કરોડ સામેલ છે) અને રૂ. 8,484 કરોડ સેસ (સામાનની આયાત પર વસૂલાયેલા રૂ. 699 કરોડ સહિત)નો સમાવેશ થાય છે. સેટલમેન્ટ પછી ઓક્ટોબર માટે CGST રૂ. 51,171 કરોડ અને SGST રૂ. 52,815 કરોડ રહ્યું છે.
જીએસટી લાગુ થયા પછી ઓક્ટોબરમાં બીજા નંબરની સૌથી વધુ આવક છે. અગાઉ એપ્રિલ 2021માં સૌથી વધુ આવક નોંધાઇ હતી. નાણા મંત્રાલયના નિવેદન અનુસાર, આ સ્થાનિક અર્થતંત્રમાં સતત સુધારો થઈ રહ્યો છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો ચિપની અછતને કારણે ઓટો સેક્ટરના સપ્લાય પર અસર ન થઈ હોત તો કમાણી વધુ થઈ શકી હોત.