સરહદ પર ચીન સાથેના તંગદિલી વચ્ચે દુશ્મનો પર નજર રાખવા માટે અને જરૂર પડે તો હુમલો પણ કરી શકે તેવા ડ્રોન ખરીદવા અમેરિકા સાથે ભારતની ચર્ચા અંતિમ તબક્કામાં છે.
અમેરિકાના પ્રિડેટર ડ્રોન વિશ્વમાં સૌથી વધુ ઘાતક મનાય છે. આવા 30 ડ્રોન ખરીદવા ભારત રૂ. 22 હજાર કરોડનો સોદો અમેરિકા સાથે કરશે. ડ્રોનનું જે વર્ઝન ભારત ખરીદવાનુ છે તેનુ મૂળ નામ એમક્યુ-9બી લોન્ગ રેન્જ એન્ડ્યોરન્સ ડ્રોન છે.
આ ડ્રોન હવામાંથી જમીન પર હુમલો કરનારી મિસાઈલ વડે સજ્જ હોય છે. થોડા દિવસોમાં સરકારની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ આ સોદાને મંજૂરી આપશે અને એ પછી કેબિનેટ સમક્ષ મંજૂરી માટે પ્રસ્તાવ મુકાશે.
ડ્રોન સાથેના હથિયારોના પેકેજને અંતિરમ સ્વરુપ અત્યારે અપાઈ રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં ડ્રોન માટે સત્તાવાર રીતે ડીલ થઈ જશે. સેનાની ત્રણે પાંખને 10-10 ડ્રોન ફાળવાશે. આ ડ્રોન અમેરિકન કંપની જનરલ એટોમિક્સ દ્વારા બનાવવામાં આવે છે.
આ ડ્રોન મલ્ટી પર્પઝ છે. દુશ્મન પર નજર રાખવા, જરુર પડે તો હુમલો કરવા માટે સક્ષમ છે. સાથે સાથે તે દુશ્મનના ડ્રોન હુમલાને પણ નિષ્ફળ બનાવવાની ક્ષમતા ધરાવે છે. એટલે સુધી કે દરિયાના પેટાળમાં સબમરિન પર પણ તે નજર રાખી શકે છે.
રાત્રે અંધારામાં ઉડવા માટે પણ તે સક્ષમ છે. તેના થર્મલ સેન્સર કેમેરા રાત્રીના અંધારામાં થતી માનવીય હિલચાલનો પણ તાગ મેળવી શકે છે. તેની રેન્જ 1900 કિલોમીટર છે અને 1700 કિલોના હથિયારો સાથે ઉડી શકે છે.
રીમોટ કંટ્રોલથી ઓપરેટ થતા ડ્રોન માટે બે પાયલોટની જરુર પડતી હોય છે. તેઓ એક વિડિયો ગેમ રમતા હોય તે રીતે આ ડ્રોનનું સંચાલન કરી શકે છે. હથિયારો વગર આ ડ્રોનનુ વજન 2223 કિલો છે. તેની ઝડપ 432 કિલોમીટર પ્રતિ કલાક છે અને તે 50000 ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે છે.