અમેરિકામાં બુધવાર (9 માર્ચે) કાર ચોરી કરતી ગેંગે 33 વર્ષના ગુજરાતી મૂળના ડોક્ટર પર કાર ચડાવીને તેમને ઘાતકી હત્યા કરી હતી. આ ગેંગ ડો. રાકેશ પટેલની કાર લઈને ફરાર થઈ ગયા હતા, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
સિલ્વરસ્પ્રિન્સ મેરિલેન્ડના રહેવાસી ડો રાકેશ ‘રિક’ પટેલ તેમની ગર્લ ફ્રેન્ડને એક પેકેડ આપવા મર્સિડિઝ બેન્ઝમાંથી બહાર નીકળ્યા ત્યારે તસસ્કરો ત્રાટક્યા હતા. તેમણે રાકેશ પટેલ સાથે મારામારી કરી હતી અને તેમને બોનેટ પર ચઢાવી દીધા હતા.
તસ્કરો કાર ચોરી કરવાના ઈરાદાથી આવ્યા હતા.. તસ્કરોએ કાર રાકેશ પટેલ પર ફેરવી દીધી હતી. ગર્લફ્રેન્ડની નજર સામે જ 33 વર્ષના રાકેશ પટેલે જીવ ગુમાવ્યો હતો. રાકેશ પટેલે ત્યાં ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લઈ લીધા હતા. આ ઘટના સામે આવ્યા પછી વોશિંગ્ટનમાં રહેતા ભારતીયો તેમજ ત્યાંના લોકોમાં ચકચાર મચી હતી. લોકોએ આ ઘટનાને વખોડી કાઢી છે અને સાથે જ સુરક્ષા એજન્સીઓને પણ જવાબદાર ઠેરવી હતી. વોશિંગ્ટન પોલીસ દ્વારા પણ તસ્કરોને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. વોશિંગ્ટન પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે આ તસ્કરોની જાણકારી આપશે તેમને 25 હજાર ડોલરનું ઈનામ આપવામાં આવશે. લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તસ્કરોની આ ટોળકીને વહેલીતકે પકડી લેવામાં આવે. પોલીસ દ્વારા કાર તો જપ્ત કરવામાં આવી છે પરંતુ ટોળકી કાર મૂકીને ફરાર થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ડોક્ટર રાકેશ પટેલ વોશિંગ્ટનની મેડસ્ટાર હોસ્પિટલમાં કાર્યરત હતા. તેઓ ક્રિટિકલ કેર વિભાગમાં નિષ્ણાંત હતા. લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે એક કાર માટે કોઈ માણસની હત્યા કરવામાં આવે તે ઘણી જ નિંદનીય બાબત છે. વોશિંગ્ટન પોલીસ તસ્કરોની ટોળકીને પકડવામાં લાગી ગઈ છે.