(ANI Photo)

રવિવારે (26 નવેમ્બર) થિરૂવનંથપુરમમાં રમાયેલી બીજી ટી-20માં ભારતે પ્રવાસી ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવી પાંચ મેચની આ સીરીઝમાં 2-0ની સરસાઈ સાથે વર્ચસ્વ જમાવી દીધું હતું. ભારતીય ટીમના રેગ્યુલર સુકાની રોહિત શર્મા તથા કોહલી જેવા કેટલાક મોખરાના ખેલાડીઓને આરામ અપાયો છે ત્યારે સૂર્યકુમાર યાદવના સુકાનીપદ હેઠળ ભારતીય ટીમે અગાઉ ગુરૂવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારે રસાકસી પછી છેલ્લી ઓવરના પાંચમાં બોલે, એટલે કે ફક્ત એક બોલ બાકી હતો ત્યારે વિજયી છગ્ગો ફટકારી બે વિકેટે વિજય હાંસલ કર્યો હતો. તેની તુલનાએ રવિવારની મેચમાં 14મી ઓવર સુધી ઓસ્ટ્રેલિયા માટે વિજયની સંભાવના પ્રબળ જણાતી હતી.

રવિવારની મેચમાં ઓસ્ટ્રેલિયા સુકાની મેથ્યુ વેડે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું, પણ તેનો એ નિર્ણય ખોટો સાબિત થયો હતો. ભારતીય ઓપનર્સ યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે, તેમાં પણ ખાસ કરીને જયસ્વાલે તોફાની બેટિંગ સાથે 5.5 ઓવરમાં જ 77 રન ખડકી દીધા હતા. જયસ્વાલ ફક્ત 25 બોલમાં 53 રન કરી વિદાય થયો હતો. ગાયકવાડ છેક છેલ્લી ઓવરમાં 58 રન કરી આઉટ થયો હતો. તેણે પ્રમાણમાં ધીરજપૂર્વક રમી 43 બોલમાં 58 રન કર્યા હતા. એ ઉપરાંત, ઈશાન કિશને 32 બોલમાં 52, રીન્કુ સિંઘે 9 બોલમાં અણનમ 31 અને સૂર્યકુમાર યાદવે 10 બોલમાં 19 રન કર્યા હતા. ભારતીય બેટર્સે કુલ 13 છગ્ગા અને 19 ચોગ્ગા ફટકાર્યા હતા, જેમાં દરેક બેટરના નામે છગ્ગા નોંધાયેલા હતા. એકંદરે, ભારતે ચાર વિકેટે 235 રનનો મહાકાય સ્કોર ખડકી દીધો હતો.

એ પછી, ઓસ્ટ્રેલિયાની શરૂઆત પણ કંગાળ રહી હતી. સૂર્યકુમાર યાદવે ત્રીજી જ ઓવરમાં સ્પિનર રવિ બિશ્નોઈને બોલિંગમાં ઉતાર્યો હતો અને તેણે પાંચમા બોલે મેથ્યુ શોર્ટની વિકેટ ખેરવી ઓસ્ટ્રેલિયાના ગઢમાં પહેલું ગાબડું પાડ્યું હતું. જો કે, શોર્ટ અને સ્ટીવન સ્મિથે ધમાકેદાર ભારે ફટકાબાજી સાથે શરૂઆત કરી હતી અને શોર્ટની વિકેટ 2.9 ઓવરમાં પડી ત્યારે તેનો સ્કોર 35 રન થઈ ગયા હતા. પણ એ પછી બિશ્વનોઈએ તેની બીજી ઓવરમાં જોશ ઈંગ્લિસને તંબુ ભેગો કર્યો હતો, તો એ પછીની ઓવરમાં અક્ષર પટેલે ગ્લેન મેક્સવેલને તંબુ ભેગો કર્યો હતો. 8મી ઓવરમાં સ્ટીવન સ્મિથની વિકેટ પડ્યા પછી ઓસ્ટ્રેલિયા માટે ટાર્ગેટ મુશ્કેલ બન્યો હતો, કારણ કે તેણે 7.2 ઓવરમાં ફક્ત 58 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

ટીમ ડેવિડ અને માર્ક્સ સ્ટોઈનિસે પાંચમી ઓવરની ભાગીદારીમાં 6.1 ઓવરમાં 81 રન ખડકી દીધા હતા. એ તબક્કે ઓસ્ટ્રેલિયાને 6.3 ઓવરમાં 97 રનની જરૂર હતી, પણ બન્ને જે રીતે રમતા હતા, તે જોતાં એ પણ શક્ય જણાતું હતું. જો કે, એ પછી ભારતીય બોલર્સે મેચમાં પાછી પકડ જમાવી હતી અને રવિ બિશ્નોઈએ એ ભાગીદારી તોડ્યા પછી મુકેશકુમાર, પ્રસિદ્ધ ક્રિષ્ના અને છેલ્લે અર્શદીપ સિંઘે પણ એક વિકેટ ખેરવી ઓસ્ટ્રેલિયાના રકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એક તબક્કે તો, 17મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાની 9મી વિકેટ પડી ગયા પછી એવું લાગતું હતું કે તે ઓલઆઉટ થઈ જશે, પણ મેથ્યુ વેડ અને તનવીર સાંગા ટકી ગયા હતા, પણ ઓસ્ટ્રેલિયા 9 વિકેટે 191 રન સુધી જ પહોંચી શક્યું હતું. ભારત તરફથી રવિ બિશ્નોઈ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 3-3 તથા અક્ષર પટેલ, અર્શદીપ સિંઘ અને મુકેશકુમારે એક-એક વિકેટ લીધી હતી. ભારતના ઓપનર યશસ્વી જયસ્વાલને તેની ઝંઝાવાતી બેટિંગ બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

પ્રથમ ટી-20માં ભારતનો 2 વિકેટે રોમાંચક વિજયઃ ગુરૂવારે પ્રથમ ટી-20માં ભારતનો અંતિમ ઓવર્સમાં થોડી રસાકસી અને ઉત્તેજના પછી બે વિકેટે, ફક્ત એક બોલ બાકી હતો ત્યારે રોમાંચક વિજય થયો હતો. આ મેચમાં ટોસ જીતી સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો. જો કે, પાંચમી ઓવરમાં પહેલી વિકેટ ખેરવ્યા પછી ભારતીય બોલર્સ ખાસ પ્રભાવ બતાવી શક્યા નહોતા અને ઓસ્ટ્રેલિયાએ ફક્ત ત્રણ વિકેટ ગુમાવી 208 રનનો પડકારજનક સ્કોર કર્યો હતો. એમાં ફક્ત 50 બોલમાં ધમાકેદાર 110 રન કરનારા જોશ ઈંગ્લિસનો સૌથી મોટો ફાળો રહ્યો હતો, તો ઓપનર સ્ટિવ સ્મિથે 41 બોલમાં 52 રન કર્યા હતા. ભારત તરફથી રવિ બિશ્નોઈ ચાર ઓવરમાં 54 રન આપી સૌથી મોંઘો સાબિત થયો હતો. રવિ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ એક-એક વિકેટ લીધી હતી.

209 રનના ટાર્ગેટ સાથે મેદાને પડેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ થઇ હતી. પહેલી ઓવરમાં જ ઋતુરાજ ગાયકવાડ રન આઉટ થયો હતો. એ પછી જયસ્વાલ 8 બોલમાં 21 રન કરી વિદાય થયો હતો. ત્યારબાદ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ ત્રીજી વિકેટની ભાગીદારીમાં 112 રન કરી ટીમને વિજયના પંથે દોરી ગયા હતા. ઈશાન કિશને 39 બોલમાં 58 અને સૂર્યકુમાર યાદવે 42 બોલમાં 80 રન કર્યા હતા. પાંચમી વિકેટરૂપે 194ના સ્કોર સાથે સૂર્યકુમારની વિદાય પછી ધબડકો થયો હતો અને છેલ્લી ઓવરમાં વિજય હાથવેંતમાં હતો ત્યારે અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ અને અર્શદીપ સિંઘ આઉટ થયા હતા. પણ રીંકુ સિંઘે 14 બોલમાં 22 રન કરી ટીમને વિજયની મંઝિલે પહોંચાડી હતી. સુકાની સૂર્યકુમાર યાદવને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

LEAVE A REPLY