ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં ભારતનો નામોશીભર્યો પરાજય થયો હતો. ગયા સપ્તાહે બુધવારે (27 સપ્ટેમ્બર) રાજકોટમાં રમાયેલી સીરીઝની છેલ્લી મેચ હારી જતાં ઓસ્ટ્રેલિયા સામે ક્લિન સ્વિપનું ટીમ ઈન્ડિયાનું સપનું તૂટી ગયું હતું. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટે 352 રનનો પડકારજનક સ્કોર ખડકી દીધો હતો.
જો કે, ઓસ્ટ્રેલિયાના બન્ને ઓપનર્સ – ડેવિડ વોર્નર અને મિચેલ માર્શ તથા એ પછી સ્ટીવ સ્મિથ અને લબુશેન જે રીતે ભારતીય બોલર્સ ઉપર છવાયેલા રહ્યા હતા, તેના પગલે તો એવું લાગતું હતું કે, કાંગારૂઓ 400 રન કે તેથી વધુ કરી જશે, પણ લબુશેનની વિકેટ સાથે બુમરાહની બોલિંગ વેધક બની હતી અને પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર ખાસ્સો નિયંત્રિત કરી શકાયો હતો. વોર્નરે 56, માર્શે 96, સ્મિથે 74 અને લબુશેને 72 રન કર્યા હતા. લબુશેન છેલ્લે સાતમી વિકેટ તરીકે આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ પડી ત્યારે સ્કોર 31.3 ઓવરમાં 242 રનનો હતો, ટીમ લગભગ 8 રનની એવરેજથી રન કરી રહી હતી.
ભારત તરફથી બુમરાહે 3, કુલદીપ યાદવે 2 તથા સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 1-1 વિકેટ લીધી હતી. જવાબમાં ભારતીય ટીમ 286 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રોહિત શર્મા (81), વિરાટ કોહલી (56) અને શ્રેયસ ઐયરે (48) થોડી આશા જગાવી હતી, પણ બાકીના બેટર નિષ્ફળ ગયા હતા. ગ્લેન મેક્સવેલે 4, હેઝલવુડે 2 અને સ્ટાર્ક, પેટ કમિન્સ, કેમરોન ગ્રીન અને તનવીર સાંઘાએ 1-1 વિકેટ ખેરવી હતી.