કોરોના મહામારીને પગલે ભારતના દેવાનું પ્રમાણ 74 ટકાથી વધીને જીડીપીના 90 ટકા થયું છે, દેશની આર્થિક રિકવરીને ધ્યાનમાં રાખતા આ પ્રમાણ ઘટીને ૮૦ ટકા થવાનો અંદાજ છે, એમ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડએ જણાવ્યું હતું.
આઈએમએફના રાજકોષિય બાબતોના વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર પાઉલો મૌરોએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ભારતમાં દેવાનું પ્રમાણ ૨૦૧૯ના અંતે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી)ના ૭૪ ટકા હતું, પરંતુ ૨૦૨૦ના અંતે તે વધીને ૯૦ ટકા જેટલું થઈ ગયું હતું.
આ એક મોટો વધારો છે, પરંતુ માત્ર ભારત જ નહીં પણ અન્ય વિકાસશીલ તથા વિકસિત દેશોમાં પણ આવી સ્થિતિ જોવા મળી છે. ભારતમાં જેમ જેમ અર્થતંત્રમાં રિકવરી થતી જશે તેમ તેના જીડીપીથી દેવાનું પ્રમાણ પણ ઘટતું જવાની ધારણા છે. જોકે આર્થિક રિકવરીને કારણે આગામી સમયગાળામાં આ પ્રમાણ ઘટીને ૮૦ ટકા આસપાસ આવી જશે. સરકારની હાલની પ્રાથમિકતા લોકો અને કંપનીઓને ટેકો ચાલુ રાખવાની છે. વર્તમાન વર્ષના બજેટની ભારતે આ અગાઉ જ જાહેરાત કરી દીધી છે અને તે એકોમોડેટિવ છે. બજેટ અર્થતંત્ર અને લોકોને ટેકો આપનારું છે.