અમેરિકામાં તૈયાર કરાયેલા એક રીસર્ચ પેપરમાં રજૂ કરાયેલા અંદાજો મુજબ ભારતમાં કોરોના વાઈરસના રોગચાળાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા દેશની સરકારે આપેલા સત્તાવાર આંકડા કરતાં 10 ગણી વધારે હોઈ શકે છે. ભારત સરકારે દેશમાં કોરોના વાઈરસના રોગચાળાના પગલે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 400,000થી થોડી વધારે હોવાનું દર્શાવ્યું છે, દેશની કુલ વસતી 1.4 બિલિયનની છે.
અમેરિકામાં તૈયાર કરાયેલા એ રીસર્ચ પેપરના લેખકો – અભિષેક આનંદ, જસ્ટીન સેન્ડેફુર તથા અગાઉ ભારત સરકારમાં ઉચ્ચ પદે રહી ચૂકેલા અરવિંદ સુબ્રમનીઅને તેમના નિષ્કર્ષમાં જણાવ્યું છે કે, ભારતમાં કોરોના વાઈરસના રોગચાળાથી વાસ્તવમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અનેક મિલિયન્સની હોવાની સંભાવના છે.
તેમના કહેવા મુજબ ભારતની આઝાદી અને તેના ભાગલાના સમય પછીની આ સૌથી વરવી માનવીય દુર્ઘટના હોઈ શકે છે. આ રીસર્ચ પેપર, “થ્રી ન્યૂ એસ્ટીમેટ્સ ઓફ ઈન્ડિયાઝ ઓલ કોઝ એક્સેસ મોર્ટાલિટી ડ્યુરિંગ કોવિડ-19 પેન્ડેમિક” વોશિંગ્ટન સ્થિત એક રીસર્ચ ઈન્સ્ટીટયુટ, ધી સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા પ્રકાશિત કરાયું છે. અભિષેક આનંદ હાર્વર્ડ યુનિવર્સિટીમાં કાર્યરત છે, તો અરવિંદ સુબ્રમનીઅન અગાઉ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચીફ ઈકોનોમિક એડવાઈઝર તરીકે સેવા આપી ચૂક્યા છે.
આ સંશોધન પેપર તૈયાર કરનારાઓએ પોતાની માહિતીના સ્ત્રોતોની ઓળખ પણ આપી છે. તેમના કહેવા મુજબ ભારતમાં કોવિડ-19ના રોગચાળાથી માર્યા ગયેલા લોકોના સત્તાવાર આંકડાનો સદંતર અભાવ છે. તેના પગલે અમે ત્રણ અલગ અલગ સ્ત્રોતોમાંથી વિગતો મેળવી તેના આધારે વધારાના મૃત્યુના અંદાજો રજૂ કર્યા છે. કોરોનાનો રોગચાળો 2020માં શરૂ થયો ત્યારથી લઈને જુન, 2021ના અંત સુધીના સમયગાળાના વધારાના મૃત્યુ આંકના તારણો અમે દર્શાવ્યા છે. સૌપ્રથમ જોઈએ તો સાત રાજ્યો પાસેથી પ્રાપ્ત કરેલા સિવિલ રજીસ્ટ્રેશન્સ મુજબના મૃત્યુ આંક એવું સૂચવે છે કે કે દેશમાં સરકારે દર્શાવ્યા કરતાં વધુ 34 લાખ લોકો મૃત્યુ પામ્યા હોઈ શકે છે.
બીજા અંદાજ મુજબ ભારતમાં સેરોપ્રિવેલેન્સ ડેટાની ઈન્ટરનેશનલ એજ સ્પેશિફિક ઈન્ફેક્શન ફેટાલિટી રેટ્સ સાથે તુલના કરવામાં આવે તો સરકારી આંકડા કરતાં લગભગ 40 લાખ વધુ લોકોના મોત નિપજ્યા હોઈ શકે.
ત્રીજો અંદાજ કન્ઝયુમર પીરામિડ હાઉસહોલ્ડ સર્વેના એનાલિસિસનો છે, તેના આધારે રજૂ થયેલા અંદાજો 49 લાખ વધુ લોકોના મોત થયાની શક્યતા છે.
રીસર્ચ પેપર એ હકિકત સ્વિકારે છે કે દરેક અંદાજો માટે ઉપયોગમાં લેવાયેલી પદ્ધતિની પોતાની ખામીઓ છે. તેમના પેપરમાં એવું પણ અનુમાન રજૂ કરાયું છે કે, આજે પણ પ્રવર્તી રહેલી માન્યતાથી વિપરિત, રોગચાળાનું પ્રથમ મોજું વધારે જીવલેણ હતું.
આ પેપરે તેના કાર્યની વિગતો આપ્યા મુજબ સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ વિશ્વભરમાં ગરીબી ઓછી કરવા કાર્યરત છે અને વિશ્વના ટોપના નિર્ણય લેનારાઓ વધુ સારી નીતિઓ તથા વ્યવહારો અમલી બનાવી શકે તે માટે નવિનતમ આર્થિક સંશોધન થકી આ ધ્યેય હાંસલ કરવાના પ્રયાસો થાય છે. સંસ્થાએ એવું પણ કહ્યું છે કે, આ પેપરમાં રજૂ કરાયેલા મંતવ્યો તેના લેખકોના છે.
પેપરમાં પ્રારંભે જ જણાવાયું છે કે, ભારતનો કોરોના વાઈરસના રોગચાળાનો સત્તાવાર મૃત્યુ આંક જુન, 2021ના અંતે ચાર લાખ (400,000) છે. વાસ્તવિકતા જો કે, બેશક, વિરાટ કદમાં એનાથી પણ અનેકગણી વરવી છે. પેપરે દર્શાવેલા અંદાજો મુજબ ભારતનો મૃત્યુ આંક માથાદીઠ 0.3નો છે, જ્યારે કે યુરોપ તથા અમેરિકા ખંડમાં ભારતની સાથે તુલના કરી શકાય તેવા વિરાટ કદના દેશોનો મૃત્યુ આંક અનેકગણો વધારે છે. મેક્સિકો અને પેરુમાં એ માથાદીઠ 3 થી વધારે, તો બ્રાઝિલ, ઈટાલી, અમેરિકા અને યુકેમાં એ બેથી વધારે છે, આ તમામ દેશોમાં ચેપગ્રસ્ત લોકોનો દર ભારત કરતાં ખૂબજ ઓછો હોવા છતાં.
ભારતમાંથી નક્કર વિગતો મેળવવી ખૂબજ મુશ્કેલ છે. જો કે, હવે આ સ્થિતિમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. અનેક પત્રકારો, અખબારો તથા સંશોધકોએ કરેલા પ્રશંસનિય પ્રયાસોના પગલે એ શક્ય બની રહ્યું છે.આવી તો અનેક વિગતો અને પૃથ્થકરણોના આધારે આ રીસર્ચ પેપરના લેખકોએ તેમના અંદાજો રજૂ કર્યા છે અને સાથે સાથે જણાવ્યું છે કે, કોરોના વાઈરસના રોગચાળાનું પ્રથમ મોજું વધુ જીવલેણ રહ્યું હોવાની શક્યતા છે પણ તેવું જણાતું નહીં હોવાનું કારણ એ છે કે તે લાંબો સમય ચાલ્યું હતું, તેથી તુલનાત્મક રીતે તે ઓછું જીવલેણ લાગ્યું છે, તેની તુલનાએ બીજું મોજું અચાનક અને ઝડપથી ફરી વળ્યું હોવાથી તે વધુ મારક લાગે છે.
આ ઉપરાંત, ભારતમાં અનેક અભ્યાસો થકી જાણીતી બની ગયેલી સંસ્થા, સેન્ટર ફોર ધી મોનિટોરિંગ ઓફ ધી ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ) દ્વારા તૈયાર કરાયેલા કન્ઝયુમર પીરામીડ હાઉસહોલ્ડ સર્વેની ગણતરીને આધારે પણ એક અંદાજ રજૂ થયો છે. તેના અહેવાલો અનુસાર એપ્રિલ 2020 થી માર્ચ 2021 સુધીના પહેલા મોજા દરમિયાન લગભગ 20 લાખ લોકો (બે મિલિયન) કોરોનાથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે એપ્રિલ 2021 થી જુન 2021ના ત્રણ મહિનાના ગાળામાં ચરમ સીમાએ રહેલા ત્રીજા મોજામાં 14 લાખ લોકોના મોત નિપજ્યાની ધારણા છે.
ભારતમાં કોરોનાથી લાખ્ખોના મોતના અંદાજો સરકારે ફગાવ્યા
ભારતમાં કોવિડ-19ના કારણે લાખ્ખો લોકોના મોત થયાના અંદાજો તાજેતરમાં અભ્યાસોમાં રજૂ કરાયા હતા, પરંતુ ભારત સરકારે ગયા સપ્તાહે ગુરુવારે (22 જુલાઈ) આ અંદાજો ફગાવી દીધા હતા. આ અંદાજો સરકારના 420,000ના અધિકૃત આંકડા કરતાં અનેક ગણા વધુ છે. જોકે, એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ અને મે મહિનામાં કેસમાં વધારો થતાં તેના નિરાકરણ પછી ભારતમાં ઘણો રાજ્યો આંકડાનું વિશ્લેષણ કરી રહ્યા છે. ગત મંગળવારે અમેરિકન રીસર્ચ ગ્રુપ-સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટે એવું જણાવ્યું હતું કે, ભારતમાં 3.4 મિલિયનથી લઇને 4.7 મિલિયન સુધી લોકો મૃત્યુ પામ્યા છે, જે તેના અધિકૃત આંકડા કરતા આઠથી 11 ગણા જેટલા વધારે છે. સરકારે અધિકૃત આંકડો 419,000 છે અને તે અમેરિકાના 610,000 અને બ્રાઝિલના 545,000 કરતા ઓછો છે. આ અભ્યાસમાં ભારતના છેલ્લા અધિકૃત આંકડા અંગે નવી શંકા વ્યક્ત કરવામાં આવી છે, અને રેકોર્ડની ખરાબ જાળવણી તેમ જ તે વૈશ્વિક સરેરાશના પ્રતિ મિલિયન દરના લગભગ અડધું હોવાનું જણાય છે. સંશોધકોએ વિશેષમાં તો વધુ મૃત્યુદરની સામાન્ય સંજોગોની સરખામણીએ વધુ મૃત્યુ અને અન્ય દેશોમાં મૃત્યુ દર અંગે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પરંતુ ભારત સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, તે એક અયોગ્ય ધારણા છે કે કોઈપણ સંક્રમિત વ્યક્તિની મૃત્યુ થવાની સંભાવના તમામ દેશોમાં સરખી છે.