આતંકવાદનો કોઈ પણ રીતે બચાવ થઈ શકે નહીં, યુએનમાં જયશંકરે પાકિસ્તાન અને ચીનના વલણની કાઢી ઝાટકણી હતી. અહીં ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન વર્ષોથી ભારતમાં ત્રાસવાદીને પ્રોત્સાહન આપે છે અને ચીન ત્રાસવાદીઓને આકરા પ્રતિબંધોથી બચાવે છે.
યુએનમાં ત્રાસવાદના મુદ્દે ભારતે ચીન અને પાકિસ્તાનના બેવડા વલણની આકરી ટીકા કરી હતી. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે, આતંકવાદીઓનો બચાવ કરવા માટે યુએનની વ્યવસ્થાનું જે લોકો રાજકીયકરણ કરી રહ્યા છે તે પોતાના જોખમે કરી રહ્યા છે. કોઈ પણ પ્રકારની ટિપ્પણી કોઈ પણ ઈરાદાથી કરાઈ હોય પણ તે લોહીના ડાઘાને ઢાંકી શકે નહીં. દાયકાઓથી આતંકવાદના પરિણામો ભોગવી રહેલુ ભારત હવે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. આતંકવાદી કૃત્યને કોઈ પણ સંજોગોમાં યોગ્ય ઠેરવી શકાય નહીં.
તેમણે જણાવ્યું હતું કે ભારત મોટી જવાબદારી ઉઠાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તૈયાર છે અને સાથે સાથે ઈચ્છે છે કે, વિશ્વના એક મોટા વિસ્તાર સાથે થઈ રહેલા અન્યાયને દૂર કરવામાં આવે. યુએનની સિક્યુરિટી કાઉન્સિલના અસ્થાયી સભ્ય તરીકે બે વર્ષના સમયગાળા દરમિયાન કેટલાક ગંભીર પણ મતભેદોના મુદ્દે ભારતે વિવિધ દેશો વચ્ચે એક સેતુ તરીકે કામ કર્યુ છે. દરિયાઇ સુરક્ષા, શાંતિ તેમજ આતંકવાદનો સામનો કરવાના મુદ્દા પર ભારતે ધ્યાન આપ્યું છે.વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે યુએનની સુરક્ષા પરિષદના બંધારણમાં સુધારા વધારા કરવા પર ગંભીર રીતે વાતચીત થવી જોઈએ.