ભારતના લિજેન્ડરી ક્રિકેટર અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પોતાની કારકિર્દીમાં રેકોર્ડના ઢગલા ઉપરાંત અનેત પ્રતિષ્ઠિત એવોર્ડ જીતવાની ઉપલબ્ધિ ધરાવે છે. જો કે હવે તેને લોરેસ શ્રેષ્ઠ રમતની પળનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 2011માં ઘરઆંગણે ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સાથીઓએ સચિનને પોતાના ખભા પર ઊંચક્યો હતો તે પળ છેલ્લા બે દાયકામાં રમત ક્ષેત્રે સૌથી શ્રેષ્ઠ રહેતા સચિનને આ ખિતાબ આપવામાં આવ્યો હતો.
સચિન તેંડુલકરના ચાહકોએ આ પળને સૌથી શ્રેષ્ઠ પળ માટે નોંધપત્ર વોટ આપ્યા હતા. તેંડુલકરના ક્રિકેટ કારકિર્દીનો આ છેલ્લો વર્લ્ડ કપ હતો અને તેમાં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે શ્રીલંકાને ફાઈનલમાં મ્હાત આપીને વિશ્વ કપ જીતી લીધો હતો. ધોનીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાના ઝડપી બોલર નુવાન કુલાસેકરાના બોલ પર ફટકારેલો એ વિજય છગ્ગો આજે પણ તમામ ચાહકોના દિલોદિમાગમાં એક ઊંડી છાપ ધરાવે છે.
બસ આ જ પળ બાદ જુસ્સામાં આવીને ભારતીય ટીમ વિશ્વ વિજેતા બનવાના ઉન્માદમાં ગ્રાઉન્ડમાં ધસી ગઈ હતી અને તેમણે ગોડ ઓફ ક્રિકેટને પોતાના ખભા પર ઊંચકી લીધો હતો. આજે પણ ભારતીય ક્રિકેટર્સના ખભા પર બેસીને તિરંગો લહેરાવતો સચિનનો એ ચહેરો લોકોને યાદ છે. આ પળ માટે સચિનને લોરેસ બેસ્ટ સ્પોર્ટ્સ મોમેન્ટનો એવોર્ડ એનાયત કરાયો હતો. પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માર્ક વોએ સચિનને આ એવોર્ડ આપ્યો હતો.સચિને એવોર્ડ સ્વીકાર્યા બાદ જણાવ્યું કે, ‘આ અત્યંત આશ્ચર્યજનક છે. વર્લ્ડ કપ જીતવાની લાગણી શબ્દોમાં કહી શકાય તેમ નથી. કોઈ મિશ્ર લાગણી ના હોય તેવી પળ જીવનમાં કેટલી હોય છે. ભાગ્યે જ કોઈ હોય છે અને તે વર્લ્ડ કપ વિજય હતો, સમગ્ર દેશ તેની ઉજવણી કરી રહ્યો હતો.’
માસ્ટર બ્લાસ્ટરે પોતાના શબ્દોમાં પળને અનુભવતા કહ્યું કે, ‘કોઈ રમત કેટલી શક્તિશાળી છે અને તે આપણા જીવનમાં કેવો જાદુ કરે છે તે આ પળ પરથી મે જાણ્યું. જ્યારે પણ હું આ પળને જોઉં છું ત્યારે તે હંમેશા મારી સાથે હોવાનું અનુભવું છું. મેં ક્રિકેટ રમવાનું 10 વર્ષની ઉંમરે 1983માં શરુ કર્યું. તે વર્ષે જ ભારતીય ક્રિકેટ ટીમે સૌપ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. હું તે મસયે વિશ્વ કપમાં જીતનું મહત્વ સમજી શક્યો નહતો અને તમામ લોકો ઉજવણી કરી રહ્યા હોવાથી હું પણ તેમાં જોડાયો હતો.’ જો કે દેશમાં ક્યાંય કંઈક વિશેષ મહત્વની ઘટના ઘટી છે તેનો મને ખ્યાલ હતો અને હું આ પળને અનુભવવા માંગતો હતો. આ રીતે મારા જીવનની સફર શરૂ થઈ હતી.