ફાઇલ તસવીર (ચંદ્રયાન-3 લેન્ડર વિક્રમનું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ-લેન્ડિંગ )(ANI Photo)

ભારતના મહત્વાકાંક્ષી અવકાશયાન ચંદ્રયાન-3એ ગત બુધવારે, 23 ઓગસ્ટની સાંજે બરાબર 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરતાંની સાથે ભારત સહિત સમગ્ર વિશ્વ જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું તે ક્ષણ ભારતના અંતરીક્ષ કાર્યક્રમમાં મહાન સિદ્ધિરૂપે સ્વર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ હતી.

ચંદ્રયાન-3 જેવું ચંદ્રની સપાટીને સ્પર્શ્યું કે તરત જ બેંગાલુરૂ ખાતેના ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)માં ઉજવણી શરૂ થઈ ગઈ હતી. ચંદ્રની સપાટીને સ્પર્શ્યાની થોડી ક્ષણો બાદ ચંદ્રયાન-3એ સંદેશ મોકલી જણાવ્યું હતું કે હું મારા લક્ષ્ય પર પહોંચી ગયો છું. આ ઐતિહાસિક ક્ષણ ટીવી અને ઈન્ટરનેટના માધ્યમથી નિહાળી રહેલાં કરોડો ભારતીયોએ આ સિદ્ધિની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી ઈસરો અને તેના તમામ વિજ્ઞાનીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ સાથે જ ભારત ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરનારા ચાર દેશોની એક્સક્લુઝિવ ક્લબમાં સામેલ થવા ઉપરાંત ચંદ્રની વણખેડી સપાટી પર પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. કોઈપણ પ્રકારની અડચણ વગરની 41 દિવસની ચંદ્ર સુધીની આ સફળ યાત્રાની સાથે જ અમેરિકા, ચીન અને રશિયા પછી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની ટેક્નોલોજીમાં મહારથ ધરાવતો ભારત ચોથો દેશ બન્યો છે.

વિક્રમ લૅન્ડરને ચન્દ્રની સપાટી પર ઉતારવા માટેની પ્રક્રિયાની શરૂઆત બુધવારે સાંજે ૫.૪૭ વાગ્યાથી થઈ હતી, જે લગભગ ૨૦ મિનિટ ચાલી હતી. આ સમયગાળા દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના કરોડો લોકોની ચિંતા, આશા અને રોમાંચની લાગણી સાથે સૌની નજર સ્ક્રીન પર ચોંટેલી હતી. જોકે લૅન્ડ થતાં જ સમગ્ર દેશમાં દિવાળીનો માહોલ સર્જાયો હતો. ફટાકડા ફૂટ્યા હતા અને લોકો ઉજવણી કરવા રસ્તા પર ઊતરી આવ્યા હતા અને ‘વંદે માતરમ’નો જયઘોષ કર્યો હતો.

ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગના આશરે અઢી કલાક પછી તેનું રોવર પ્રજ્ઞાન તેમાંથી બહાર આવ્યું હતું. રોવર ત્યારથી 14 દિવસ ઈસરોના વૈજ્ઞાનિકોના નિર્દેશ મુજબ ચંદ્ર પર પોતાની કામગીરી કરશે. તેની મુખ્ય કામગીરીમાં ચંદ્રની સપાટી પર વિવિધ પરિક્ષણોનો સમાવેશ થાય છે. લેન્ડર અને રોવરમાં પાંચ વૈજ્ઞાનિક પેલોડ્સ છે જે લેન્ડર મોડ્યુલમાં સ્થાપિત કરાયા છે. રોવરના આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર દ્વારા ચંદ્રની સપાટી પરની રાસાયણિક સંરચના તથા અન્ય ખનીજોની ચકાસણી કરાશે. લેઝર ઈન્ડ્યુઝ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ દ્વારા ચંદ્રની માટી અને પહાડોની સંરચનાની ચકાસણી કરાશે.

LEAVE A REPLY