ભારતમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ, કેરળ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં દૈનિક ધોરણે નોંધાતા કોવિડ-19ના નવા કેસોની સંખ્યામાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં એક દિવસમાં નવા નોંધાયેલા કેસોમાંથી 81.25% દર્દીઓ આ આઠ રાજ્યોમાં જ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. શુક્રવાર સુધીમાં નવા 81, 466 કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. દૈનિક ધોરણે સર્વાધિક સંખ્યામાં નવા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં વધુ 43,183 દર્દી પોઝિટીવ નોંધાયા છે. ત્યાર પછીના ક્રમે 4,617 કેસ સાથે છત્તીસગઢ જ્યારે 4,234 નવા કેસ સાથે કર્ણાટક છે.
ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ શુક્રવારે 6,14, 696 સુધી પહોંચ્યું છે. દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા હવે 5% છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં સક્રિય કેસોના ભારણમાં 30,641 દર્દીઓનો ચોખ્ખો વધારો નોંધાયો છે. દેશના કુલ સક્રિય કેસોમાંથી 77.91% દર્દીઓ પાંચ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, કેરળ અને પંજાબમાં હોવાનું નોંધાયું છે. દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી લગભગ 60% (59.84%) દદીઓ માત્ર મહારાષ્ટ્રમાં હોવાનું નોંધાયું છે.
ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,15,25,039 સુધી પહોંચી છે. સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર 93.68% છે. જ્યારે શુક્રવાર સુધીમાં વધુ 50,356 દર્દીઓ સાજા થયા છે અને વધુ 469 દર્દીઓનાં મૃત્યુ નોંધાયા છે. દૈનિક મૃત્યુઆંકમાંથી 83.16% દર્દીઓ છ રાજ્યોમાંથી મૃત્યુ પામ્યા છે. સૌથી વધુ મૃત્યુઆંક (249) મહારાષ્ટ્રમાં નોંધાયો છે. ત્યારપછીના ક્રમે, પંજાબમાં દૈનિક ધોરણે 58 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
દેશમાં બાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે દર્દીનું મૃત્યુ થયું હોય તેવો કોઇ કિસ્સો નોંધાયો નથી. આમાં ઓડિશા, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, મણીપુર, ત્રિપુરા, સિક્કિમ, લક્ષદ્વીપ, મેઘાલય, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ અને અરુણાચલ પ્રદેશ છે.