
દેશમાં કોરોના વાયરસના વધતા જતા મામલાોમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોના વાયરસનો આંકડો વધીને 2902 સુધી પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે સાંજ સુધીમાં 2547નો આંકડો જાહેર કર્યો હતો પરંતુ 12 કલાકમાં જ દેશભરમાંથી 335 નવા કેસ નોંધાયા છે જેના કારણે શનિવારે સવારે આ આંકડો વધીને 2902 થઈ ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશના કુલ 2902 કોરોના વાયરસના મામલાઓમાં 183 કેસ એવા પણ છે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. જોકે, 68 લોકો આ વાયરસના કારણે પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે. એક વ્યક્તિને માઈગ્રેટ કરી લેવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હીમાં કોરોના વાયરસના મામલાઓમાં ઝડપથી વધારો નોંધાયો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 423 કેસ નોંધાયા છે જ્યારે તમિલનાડુમાં 411 અને દિલ્હીમાં 386 કેસ નોંધાયા છે. જોકે, આ રાજ્યોની તરફથી જે આંકડા જાહેર થયા છે તે આંકડા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા કરતા ઘણા વધારે છે.
આ રાજ્યો ઉપરાંત જ્યાં કોરોનાના કેસ વધારે નોંધાયા છે તેમાં કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાંથી સ્વસ્થ્ય થયેલા લોકોમાં સૌથી વધારે મહારાષ્ટ્ર, કેરળ અને હરિયાણાના કેસ છે. મહારાષ્ટ્રમાં જ કોરોના વાયરસના કારણે સૌથી વધારે લોકોના મોત નિપજ્યા છે.
