ભારતમાં સોમવારે કોરોના વાઇરસના અત્યાર સુધીના સૌ વધુ 1,03,558 નવા કેસ નોંધાયા હતા. આની સાથે દૈનિક એક લાખ કરતાં વધુ નવા કેસ નોંધાયા હોય તેવો અમેરિકા બાદ ભારત બીજો દેશ બન્યો છે. અગાઉ ભારતમાં ગયા વર્ષે 17 સપ્ટેમ્બરે એક દિવસમાં સૌથી વધુ 97,894 કેસ નોંધાયા હતા. દેશમાં સોમવારે 478 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,65,101 થયો હતો. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 222 લોકોના મોત થયા હતા, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સોમવારે સવારે આઠ વાગ્યે અપડેટ કરેલા ડેટામાં જણાવાયું હતું.
આઠ રાજ્યોમાં 81.90 ટકા કેસ
દેશના કોરોના દૈનિક કેસમાંથી આશરે 81.90 ટકા કેસો આઠ રાજ્યોમાં નોંધાયા હતા. દેશમાં નોંધાયેલા કુલ કેસમાંથી 55.11 ટકા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા હતા.પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને પગલે દેશમાં કોરોના વાઇરસના ફેલાવમાં વધારો થવાનું પણ જોખમ છે. દેશના સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. દેશના સૌથી વધુ ઔદ્યોગિક રાજ્ય મહારાષ્ટ્રમાં એક દિવસમાં 57,074 નવા કેસ નોંધાયા હતા.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સતત 26માં દિવસે વધીને 7,41,830 થઈ હતી, જે કુલ કેસના આશરે 5.89 ટકા છે. દેશમાં રિકવરી રેટ ઘટીને 92.80 ટકા થયો હતો. એક્ટિવ કેસની સંખ્યા 12 ફેબ્રુઆરીના રોજ સૌથી ઓછી 1,35,926 હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોનામાંથી અત્યાર સુધી 1,16,82,136 લોકો રિકવર થયા છે. કોરોનાનો મૃત્યુદર કથળીને 1.31 ટકા થયો હતો.
દેશના આઠ રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારાનો ટ્રેન્ડ છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને પંજાબનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 57,074, છત્તીસગઢમાં 5,250 અને કર્ણાટકમાં 4,553 કેસ નોંધાયા હતા.
દેશમાં કુલ 7.41 લાખ એક્ટિવ કેસમાંથી 75.88 ટકા એક્ટિવ કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, કેરળ અને પંજાબમાં નોંધાયા હતા. દેશના કુલ એક્ટિવ કેસમાંથી એકલા મહારાષ્ટ્રમાં 58.23 ટકા કેસ હતા.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર પાચ એપ્રિલ સુધીમાં દેશમાં વેક્સીનના 7.91 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. ચાર એપ્રિલે દેશમાં વેક્સિનના 16.38 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા.
ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 1,25,89,067 થઈ છે, જે અમેરિકા અને બ્રાઝિલ પછી વિશ્વમાં સૌથી વધુ છે. દેશમાં છેલ્લાં એક સપ્તાહમાં વિશ્વમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કોરોનાના વધુ ચેપી વેરિયન્ટને કારણે દેશમાં નવા કેસોમાં ઉછાળો આવ્યો છે.