કોરોના વાયરસના સંક્રમણની વધતી સંખ્યા વચ્ચે ભારત માટે કેટલાક આંકડા ન માત્ર સકારાત્મક છે પરંતુ રાહત અપાવનાર પણ છે. ચીનથી શરૂ થનાર કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાભરમાં 3,23,285 લોકોના મૃત્યુ થયા છે. તેમાં ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 3303 છે. ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 1,06,750 સુધી પહોંચી છે ત્યારે મૃતકોની સંખ્યા 3303 સુધી પહોંચી છે. રાહતની વાત એ છે કે પ્રતિ લાખ વસ્તીની સરખામણી અનુસાર ભારતમાં ડેથ રેટ અન્ય દેશ કરતા ઘણો ઓછો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને માહિતી આપતા ટ્વિટ કર્યુ છે કે, ‘કોવિડ-19 ના નિયંત્રણમાં ભારતનો રેકોર્ડ દુનિયામાં સૌથી સારો છે. દુનિયામાં પ્રતિ એક લાખની વસ્તી પર કોવિડ-19થી 4.1 લોકોના મૃત્યુ થયા છે જ્યારે ભારતમાં આ રેટ માત્ર 0.2 છે.’સ્વાસ્થ્ય મંત્રીએ આ ચાર્ટ 19 મે સુધીના આંકડાકિય માહિતી અનુસાર જાહેર કર્યો છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે ભારતમાં, મૃત્યુના કેસોમાં તુલનાત્મક ઘટાડો, સમયસર રોગની ઓળખ કરવા સુધી તેની સારવારની વ્યવસ્થા માટેના પગલાં દર્શાવે છે.
આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યુ છે કે કોરોના કેસની ઓળખ કરીને તેના ક્લિનિકલ મેનેજમેન્ટમાં ભારત પાછળ નથી. ડેથ રેટમાં જ્યાં ભારતના આંકડા સારા છે, ત્યાં એક લાખની વસ્તી પર કોરોના સંક્રમિત લોકોનું સરેરાશ પણ ઘણું સકારાત્મક છે. ભારતમાં એક લાખની વસ્તી પર 7.1 કોરોના સંક્રમિત છે એટલે કે એક લાખની વસ્તીમાં અહીં 7 લોકો કોરોના સંક્રમિત થાય છે. જ્યારે દુનિયાનું સરેરાશ જોવા જઇએ તો એક લાખની વસ્તી પર 60 લોકો કોરોના સંક્રમિત થાય છે. કોરોનાથી ઠીક થતા દર્દીઓનો રિકવરી રેટ પણ ઘણો સારો છે.
મંત્રાલય અનુસાર, રિકવરી રેટ 38 ટકાથી વધારે છે એટલે કે દર 100 લોકોમાં લગભગ 38 દર્દીઓ સાજા થઇ રહ્યા છે. 20મે સવારે 8 વાગ્યા સુધીની આંકડાકીય માહિતી અનુસાર, ભારતમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 1.06,750 સુધી પહોંચી ચુકી છે. 3303 લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે, જ્યારે 42,298 લોકો સાજા થઇ ચુક્યા છે. હાલમાં 61,149 એક્ટિવ કેસ છે.