ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધુને વધુ વકરી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં રેકર્ડ બ્રેક 4000થી વધુ નવા કેસ નોંધાયા છે. 24 કલાકનો મૃત્યુઆંક પણ 100થી વધી ગયો છે. આ આંકડાઓને ઘ્યાનમાં લેતા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન ખોલવાના પ્રયાસો પર કેવી અસર થાય છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા રીપોર્ટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના પોઝીટીવના નવા 4213 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં પ્રથમ વખત 4000થી વધુ કેસો નોંધાતા આરોગ્ય વિભાગ તથા સરકાર પણ નવી ચિંતામાં મુકાઇ છે. આ સાથે દેશમાં કોરોના પોઝીટીવના કુલ કેસ 67152 થયા છે. તેમાંથી 44029 સક્રિય છે. 20917 લોકો સાજા થઇને ડિસ્ચાર્જ થઇ ગયા છે અને 2206 લોકોના મૃત્યુ નિપજયા છે.
અન્ય એક રીપોર્ટમાં એવું સુચવાયુ છે કે 24 કલાકના નવા કેસની સંખ્યા 4308 અને મૃત્યુઆંક 111 છે. સતાવાર રીપોર્ટમાં 24 કલાકનો મૃત્યુઆંક 97નો દર્શાવવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નવા કેસ દેશના સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં નોંધાયા છે. એક દિવસમાં નવા 1943 કેસનો રેકર્ડ થયો છે. આ સિવાય તામિલનાડુમાં 669, ગુજરાતમાં 398 તથા દિલ્હીમાં 381 કેસ મુખ્ય હતા.
દેશના વિવિધ રાજયોમાંથી શ્રમિકો વતન પરત ફરવા લાગ્યા હોવાથી પૂર્વોતર રાજયમાં પણ કોરોનાની અસર દેખાવા લાગી છે. પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા તથા બિહાર જેવા ત્રણ રાજયમાં 321 નવા કેસ નોંધાયા છે. મૃત્યુઆંકની દ્રષ્ટિેએ મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 53 લોકોએ જાન ગુમાવ્યા છે. તે પણ એક દિવસમાં સૌથી વધુ મોતનો રેકોર્ડ છે. દેશમાં કોરોના દર્દીઓનો રીકવરી રેટ 31 ટકા થયો છે. અત્યાર સુધીમાં 20848 લોકો સાજા થઇને ડિસ્ચાર્જ થઇ ગયા છે.
દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવા મામલે નવી માર્ગદર્શિકા લાગુ પાડી દેવામાં આવી છે. ત્રણ સ્ટેજની આ માર્ગદર્શિકામાં મામુલી લક્ષણ હોય અને અંતિમ ત્રણ દિવસમાં કોઇ લક્ષણો માલુમ ન પડે તેવા દર્દીઓને 10 દિવસમાં ડિસ્ચાર્જ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. આ સિવાય ગંભીર લક્ષણો હોય અને ડિસ્ચાર્જનો સમય થાય ત્યારે એક જ રીપોર્ટ નેગેટીવ આવે તો પણ તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.