કોરોના વાયરસ સામે બાથ ભીડવા માટે કેન્દ્ર સરકારે લોકડાઉનની મર્યાદા વધારીને 31 મે સુધીની કરી દીધી છે. દેશમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન છે અને તેમ છતા પણ કોરોના વાયરસના કેસ એક લાખ સુધી પહોંચી ગયા છે. દેશમાં પહેલો કેસ 30 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો ત્યારથી અત્યાર સુધીમાં 111 દિવસમાં એક લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. દેશમાં કોરોના વાયરસના 101139 કોરોના વાયરસના તમામ કેસ સાથે ભારત દુનિયામાં સૌથી વધારે કોરોના વાયરસના કેસ ધરાવતા દેશોમાં ચીનને પછાડીને તેની આગળ નીકળી ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે મંગળવારે સવારે નવ વાગ્યા સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 101139 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં અત્યાર સુધીમાં નવા 4970 કેસ નોંધાયા છે જ્યારે સંક્રમણને કારણે 137 લોકો મોતને ભેટ્યા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 2350 લોકો કોરોના સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં દેશમાં કુલ 101139 કોરોના વાયરસના કેસ નોંધાયા છે જેમાંથી 39174 લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 134 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 3163 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવારે સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 58802 એક્ટિવ કેસ છે.
જોકે, કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં વાયુવેગે ફેલાઈ રહ્યું છે તેવું કહેવું યોગ્ય નથી. ચાર રાજ્યો એવા છે કે જ્યાંથી સમગ્ર દેશના કુલ કોરોના વાયરસના કેસના લગભગ 68 ટકા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર એકલામાંથી જ દેશભરના કુલ કોરોના કેસના લગભગ 35 ટકા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 35058 કેસ નોંધાયા છે જ્યારે 1249 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 11745 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 694 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ગુજરાત બાદ તમિલનાડૂમાં 11760, દિલ્હીમાં 10054, રાજસ્થાનમાં 5507, મધ્યપ્રદેશમાં 4236 અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના 4605 કેસ સામે આવ્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 48.05 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે.