કોરોના વાઇરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ કોરોના ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દેશભરમાં કોરોના સંક્રમિત દર્દીનો આંકડો ત્રણ લાખને પાર કરી ગયો છે. શુક્રવારના રોજ કોરોનાના 10,000 નવા કેસ નોંધાયા, ત્યાર બાદ સંક્રમિતોનો આંકડો વધીને 3 લાખથી વધારે થઇ ગયો છે.
સ્વાસ્થ્ય મંત્ર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાના સંક્રમિત કેસની સંખ્યા વધીને 3,08,993 થઇ ગઇ છે. તેમાંથી 1,54,330 દર્દી સ્વસ્થ થયા છે જ્યારે 1,45,779 કેસ એક્ટિવ છે. જ્યારે 8,884 લોકોના મોત નીપજ્યાં છે.
સ્થિતિ એ છે કે દેશમાં અત્યારે કોરોના વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે તેને અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે માત્ર 10 દિવસમાં સંક્રમિત દર્દીનો આંકડો ત્રણ લાખને પાર થઇ ગયો. જ્યારે આ પહેલા 1 લાખ થી બે લાખ સુધી આંકડો પહોંચતા 14 દિવસનો સમય લાગ્યો હતો.
ભારતમાં 30મી જાન્યુઆરીના રોજ કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યાર બાદ સંક્રમિતોનો આંકડો એક લાખ પાર થવામાં 100 દિવસથી વધારે સમય લાગ્યો. 18 મે ના રોજ એક લાખનો આંકડો પહોંચ્યો હતો.
ત્યાર બાદ 2 જૂનના રોજ આ આંકડો ડબલ થયો હતો એટલે કે 14 દિવસમાં એક લાખમાંથી બે લાખ થયો. જ્યારે બે લાખમાંથી ત્રણ લાખનો આંકડો 10 દિવસમાં જ પાર થઇ ગયો.
વૈશ્વિક સ્તર પર જોન હૉપકિંસ યુનિવર્સિટી અનુસાર અમેરિકા આ મહામારીથી સૌથી ખરાબ રીતે સામનો કરી રહ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસની ચપેટમાં 20,43,639 લોકો આવી ગયા છે. તો અત્યાર સુધી 1,14,469 લોકોના મોત નીપજ્યાં છે.