કોરોના વાઈરસનો પ્રસાર અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન છે તેવા સમયે દિલ્હીમાં તબલિગી સમાજ દ્વારા ધાર્મિક સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો લોકડાઉનના પગલે તેમના રાજ્યોમાં પરત ફર્યા પછી દેશભરમાં અચાનક જ કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થવાના કારણે સમગ્ર દેશમાં લોકોમાં તબલિગી જમાત સામે પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો તબલિગી સમાજ પર ફીટકાર વરસાવી રહ્યાં છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે દેશમાં તબલિગી સમાજના અંદાજે ૯,૦૦૦થી વધુ લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે અને ૪૦૦થી વધુ લોકો પોઝિટિવ આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી મીડિયામાં અહેવાલો આવી રહ્યા છે કે તબલિગી સમાજના લોકોના કારણે દેશભરમાં કોરોના વાઈરસના પ્રસારનું જોખમ વધ્યું છે.
સોશિયલ મીડિયા પર તબલિગી સમાજને નિશાન બનાવતા અનેક મીમ્સ પણ ફરતા થઈ ગયા છે. એક ટ્વીટર યુઝરે જણાવ્યું કે કોરોના સામે લડવા વડાપ્રધાને લોકોને દાન આપવા માટે ‘પીએમ કેર્સ’ રાહત ફંડ બનાવ્યું છે, જેમાં લાખો લોકો સ્વૈચ્છિક દાન આપી રહ્યા છે ત્યારે તબલિગી જમાતે આ ફંડમાં ૫૦૦ કોરોના વાઈરસ દર્દીઓ દાનમાં આપ્યા છે.
એક યુઝરે તો તબલિગી જમાતના લોકોને જ કોરોના વાઈરસ ગણાવ્યા હતા. સરકાર દરેક રાજ્યમાં તબલિગી જમાતના લોકોને શોધવા પ્રયાસ કરી રહી છે ત્યારે અનેક લોકોને સરકાર શોધી શકી નથી. પરિણામે અનેક લોકોએ તબલિગી જમાત દ્વારા કોરોના વાઈરસને માનવ સંહાર માટે ફેલાવવાનું કાવતરું પણ ગણાવ્યું હતું. આ સંમેલન પછી સોશિયલ મીડિયા પર કેટલાક સાચા-ખોટા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેને કારણે પણ તબલિગી સમાજના લોકો સામે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે.