ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત કેસનો આંકડો 69.77 લાખ થઈ ગયો છે, જે આજે શનિવારે 70 લાખને પાર થઈ જવાની પ્રબળ સંભાવના છે. પરંતુ સાથોસાથ સારી અને રાહતની બાબત એ છે કે એક્ટિવ કેસનો આંકડો ઘટીને નવ લાખથી ઓછો થયો છે. કારણ કે, નવા કેસની સામે સાજા થઈ રહેલા દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. શુક્રવારે ભારતમાં 73 હજાર 220 નવા કેસ નોંધાયા છે, જ્યારે 82 હજાર 292 દર્દી સાજા થયા છે. આ સતત 20મો દિવસ હતો, જ્યારે નવા કેસ 90 હજારથી નીચે રહ્યો હતો. અગાઉ 16 સપ્ટેમ્બરે નવા કેસનો આંકડો 97 હજાર 860ની ઉંચી સપાટી સુધી પહોંચી ગયો હતો.
બીજી તરફ રેલવે પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે તેજસ એક્સપ્રેસ 17 ઓક્ટોબરે ફરીથી શરૂ કરાશે. આ હાઈ સ્પીડ ટ્રેન દિલ્હી- લખનૌ અને મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલે છે. પ્રવાસીઓની સુવિધા વધારવા માટે મુંબઈમાં અંધેરી ખાતે તેને એક વધુ સ્ટોપ આપવામાં આવશે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન પ્રવાસીઓને માસ્ક અને ફેસ શિલ્ડ પહેરવાં પડશે તેમ જ આરોગ્ય સેતુ એપ પણ મોબાઇલ ફોનમાં રાખવી જરૂરી રહેશે. તમામ મુસાફરોને હેન્ડ સેનિટાઈઝર, માસ્ક, ગ્લોવ્ઝ અને ફેસ શિલ્ડ સાથેની કોવિડ-19 સુરક્ષા કિટ પણ આપવામાં આવશે.