ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 89 લાખને વટાવી ગઈ છે, જ્યારે આશરે 83 લાખ લોકો રિકવર થયા છે. દેશમાં હાલમાં રિકવરી રેટ 93.52 ટકા થયો છે. દેશમાં સતત પાંચમાં દિવસે એક્ટિવ કેસની સંખ્યા પાંચ લાખથી નીચી રહી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે આઠ વાગ્યે અપડેટ કરેલા ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 38,617 નવા કેસ સાથે કુલ સંખ્યા વધીને આશરે 89.12 લાખ થઈ છે. છેલ્લાં 24 કલાકમાં 474 વ્યક્તિના મોત સાથે મૃત્યુઆંક વધીને આશરે 1.30 લાખ થયો છે. હાલમાં દેશમાં આશરે 4.46 લાખ એક્ટિવ કેસ છે, જે કુલ કેસના આશરે 5.01 ટકા છે.
ભારતમાં કોરોનો કુલ આંક સાત ઓગસ્ટે 20 લાખને, 23 ઓગસ્ટે 30 લાખને, પાંચ સપ્ટેમ્બરે 40 લાખને અને 16 સપ્ટેમ્બરે 50 લાખને વટાવી ગયો હતો. 27 સપ્ટેમ્બરે કોરોનાના કેસની સંખ્યા વધીને 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ અને 29 ઓક્ટોબરે 80 લાખ થઈ હતી. આઇસીએમઆરના જણાવ્યાા અનુસાર દેશમાં અત્યાર સુધી આશરે 12.74 કરોડ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
છેલ્લાં 24 કલાકમાં દિલ્હીમાં 99, મહારાષ્ટ્રમાં 68, પશ્ચિમ બંગાળમાં 52, પંજાબમાં 30, કેરળમાં 27 અને હરિયાણામાં 25 લોકોના કોરોનાને કારણે મોત થયા હતા. કોરોનાના મહામારી બાદ સૌથી વધુ મહારાષ્ટ્રમાં 46,102 લોકો, કર્ણાટકમાં 11,557 લોકો, તમિલનાડુમાં 11,513 લોકોના મોત થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી 3,815 લોકોના મોત થયા છે.