ભારતમાં કોરોના વાયરસ કેસોના દરરોજ નવા રેકોર્ડ પણ નોંધાઈ રહ્યાં છે. ભારતમાં પહેલીવાર એક જ દિવસમાં 2,61,500 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેની સાથે કુલ કેસની સંખ્યા 1,47,88,109 થઈ ગઈ હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે આઠ વાગ્યે જણાવ્યા અનુસાર ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 18 લાખને પાર કરી ગયો છે.
આરોગ્ય મંત્રાલયને રવિવાર સવારના ડેટા મુજબ ભારતમાં 24 કલાકમાં કોરોનાના કારણે 1,500 કરતા વધુ (1,501) દર્દીઓના જીવ ગયા હતા. આ સાથે દેશમાં કોરોનાથી થનારા મૃત્યુનો કુલ આંકડો 1,77,150 પર પહોંચી ગયો હતા. રવિવાર (આજનો દિવસ) દેશનો 39મો એવો દિવસ છે કે જ્યારેથી કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 18,01,316 પર પહોંચી ગઈ છે, જે દેશના કુલ કેસની સામે 12.18% થાય છે, કોરોનાનો રિકવરી રેટ ઘટીને 86.62% પર પહોંચી ગયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,28,09,643 પર પહોંચી ગઈ છે. જ્યારે કુલ કેસની સામે મૃત્યુ પામેલા દર્દીઓની ટકાવારી 1.20% થાય છે.