ભારતમાં કોરોના બેકાબુ બન્યો છે અને શુક્રવારે સતત ત્રીજા દિવસે એક લાખથી વધુ કેસ નોંધાયા અને 780થી વધુ લોકોના મોત થયા હતા. આ મૃત્યુઆંક 18 ઓક્ટોબર પછીનો સૌથી વધુ છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ 1,31,968 નવા કેસ નોંધાયા હતા. આમાંથી એકલા મહારાષ્ટ્રમાં નવા 56,286 કેસ નોંધાયા હતા.
આમ છેલ્લાં પાંચ દિવસમાંથી ચાર દિવસ માટે એક લાખથી વધુ કેસ નોંધાયા હતા. કોરોનાના કુલ કેસનો આંક 1,30,60,542 થયો હતો. કોરોના બેકાબુ બનતાં ઘણા રાજ્યોમાં નાઇટ કરફ્યૂ સહિતના નિયંત્રણો લાદવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક વધીને 1,67,6421 થયો હતો.

આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતના દસ રાજ્યોમાં કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને દેશના કુલ કેસમાંથી 83.29 ટકા કેસો આ રાજ્યોમાં નોંધાયા હતા. આ રાજ્યમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપરદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 56,286 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત છત્તીગઢમાં 10,652 અને ઉત્તરપ્રદેશણાં 8,474 નવા કેસ નોંધાયા હતા.

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સતત 30માં દિવસે વધીને 9,79,608 થઈ હતી, જે કુલ કેસના આશરે 7.5 ટકા છે. દેશમાં રિકવરી રેટ ઘટીને 91.22 ટકા થયો હતો. દેશમાં અગાઉ 12 ફેબ્રુઆરીએ એક્ટિવ કેસની સંખ્યા સૌથી ઓછી 1.35 લાખ હતી. કોરોનાથી અત્યાર સુધી 1,19,13,292 લોકો રિકવર થયા છે. કોરોનાનો મૃત્યુદર 1.28 ટકા રહ્યો હતો.

સરકારના જણાવ્યા અનુસાર ગુરુવારે કુલ 780 મોતમાંથી મહારાષ્ટ્રમાં 376, છત્તીસગઢમાં 94, પંજાબમાં 56, ઉત્તરપ્રદેશમાં 39, કર્ણાટકમાં 36, ગુજરાતમાં 35, મધ્યપ્રદેશમાં 27, દિલ્હીમાં 24, તમિલનાડુમાં 19, કેરળમાં 18 અને હરિયાણામાં 11 લોકોના મોત થયા હતા.

દેશમાં પોઝિટિવિટી રેટ વધીને 9.21 ટકા થયો હતો. આનો અર્થ એવો થાય છે કે દર 100 લોકોમાંથી 9 પોઝિટિવ આવે છે. દેશની રાજધાની દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના 37 ડોકટરોને કોરોના થયો હતો. આ તમામ ડોકટરોને વેક્સિન આપવામાં આવી હતી. તેમાંથી 32 ડોકટરો હોમ ક્વોરેન્ટીન હતા, જ્યારે 5ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કોરોનાના વધી રહેલા દર્દીઓને ધ્યાનમાં રાખીને એપ્રિલ 10 એપ્રિલથી AIIMS દિલ્હીમાં વિવિધ ઓપરેશન થિયેટરોમાં ફક્ત ઇમર્જન્સી સર્જરી કરવામાં આવશે. ગુરુવારે કેરળના મુખ્યપ્રધાન પિનરાય વિજયન અને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમાન ચાંડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ઉત્તરપ્રદેશમાં કોરોના કેસોમાં ભારે વધારો જોવા મળ્યો છે. આને કારણે રાજ્ય સરકારે રાજધાની લખનૌ સહિત 5 જિલ્લામાં નાઇટ કર્ફ્યૂ લાગુ કર્યો છે. તેમાં લખનૌ ઉપરાંત પ્રયાગરાજ, વારાણસી, કાનપુર અને નોઈડા સામેલ છે. કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાએ 10થી 20 એપ્રિલની વચ્ચે બેંગલુરુ, મૈસૂર, મંગલૂર, કાલબૂર્બી, બિદર, તુમ્કુરૂ, ઉદૂપી અને મણિપાલમાં નાઇટ કર્ફ્યૂ જાહેર કર્યો છે.