ભારતમાં રવિવારે કોરોના વાઇરસના નવા 30,256 કેસ નોંધાયા હતા અને 295 લોકોના મોત થયા હતા. નવા કેસો સાથે કોરાનાના કુલ કેસની સંખ્યા વધીને આશરે 3.34 કરોડ થઈ હતી, જ્યારે મૃત્યુઆંક વધીને 4,45,133 થયો હતો. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3,18,181 થઈ હતી, જે છેલ્લાં 183 દિવસમાં સૌથી ઓછા છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે જારી કરેલા ડેટામાં જણાવાયું હતું.
હાલમાં દેશમાં કુલ કોરોના કેસમાંથી અડધાથી વધુ કેસ કેરળમાં નોંધાઈ રહ્યાં છે. રવિવારે કુલ કોરોના મોતમાંથી 152 મોત કેરળમાં 49 મોત મહારાષ્ટ્રમાં થયા હતા.
મંત્રાલયના ડેટા અનુસાર હાલમાં એક્ટિવ કેસની સંખ્યા કુલ કેસના 0.95 ટકા છે, જે માર્ચ 2020 પછીથી સૌથી નીચી છે. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 97.72 ટકા નોંધાયો હતો. રવિવારે એક્ટિવ કેસની સંખ્યામાં 13,977નો ઘટાડો થયો હતો. દેશમાં રવિવારે કોરોનાના કુલ 11.77 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ડેઇલી પોઝિટિવિટી રેટ 2.57 ટકા રહ્યો હતો, જે છેલ્લાં 21 દિવસથી 3 ટકાથી નીચો છે. વીકલી પોઝિટિવિટી રેટ 2.07 ટકા રહ્યો હતો, જે છેલ્લાં 87 દિવસથી ત્રણ ટકાથી નીચો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધી કોરોના વેક્સિનના 80.85 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.