ભારતમાં ગયા સપ્તાહે કોરોનાના ૨.૯ લાખ નવા કેસ નોંધાયા હતા, જે અગાઉના સપ્તાહની સરખામણીએ ૩૨ ટકા વધુ છે. માત્ર કેરળમાં ૧.૯ લાખ કેસ એટલે કે ૬૫ ટકાથી વધુ કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાનો આંકડો છેલ્લા આઠ સપ્તાહના ઊંચા સ્તરે પહોંચી ગયો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે જારી કરેલી માહિતી મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૨,૯૦૯ નવા કેસ નોંધાયા હતા. આમાંથી ૨૯,૮૩૬ કેસ કેરળમાં નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં ૪,૬૬૬, આંધ્ર પ્રદેશમાં ૧,૫૫૭, તમિલનાડુમાં ૧,૫૩૮ અને કર્ણાટકમાં ૧,૨૬૨ કેસ સામે આવ્યા હતા. કોરોનાને લીધે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૦ દર્દીઓના મોત થયા હતા, જેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૩૧ દર્દી અને કેરળમાં ૭૫ લોકોનાં મોત થયા હતા.
દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને આશરે 3.27 કરોડ થઈ હતી. એક્ટિવ કેસની સંખ્યામાં સતત છઠ્ઠા દિવસે વધારો થયો હતો. કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને આશરે 3.76 લાખ થઈ હતી, જે કુલ કેસના 1.15 ટકા છે. કુલ મૃત્યુઆંક વધીને આશરે 4.38 લાખ થયો હતો. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 97.51 ટકા રહ્યો હતો. રવિવારે કુલ ૩૪,૭૬૩ દર્દી કોરોનામુક્ત થાય હતા, જે બાદ દેશમાં સ્વસ્થ થનારા કુલ દર્દીઓની સંખ્યા ૩,૧૯,૨૩,૪૦૫ થઇ ગઇ હતી.