ભારતમાં સોમવારે કોરોના વાઇરસના નવા 70,421 કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 74 દિવસમાં સૌથી ઓછા છે. જોકે 3,921 લોકોના મોત નોંધાયા હતા અને તેનાથી કુલ મૃત્યુઆંક વધીને 3,74,305 થયો હતો. દેશમાં કોરોના કુલ કેસની સંખ્યા વધીને આશરે 2.95 કરોડ થઈ હતી, જેમાંથી આશરે 2.81 કરોડ લોકો રિકવર થયા છે. તેનાથી એક્ટિવ કેસનો આંકડો બે મહિના પછી 10 લાખથી નીચો રહ્યો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે જારી કરેલા ડેટા અનુસાર દેશમાં કોરોનાના નવા દૈનિક કેસ કરતાં રિકવર થયેલા લોકોની સંખ્યા સતત 32માં દિવસે ઊંચી રહી હતી. જોકે કોરોનાનો મૃત્યુદર વધીને 1.27 ટકા થયો હતો. એક્વિટ કેસની સંખ્યા ઘટીને આશરે 9.73 લાખ થઈ હતી, જે કુલ કેસના આશરે 3.30 ટકા છે. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ સુધરીને 95.43 ટકા થયો હતો. છેલ્લાં 24 કલાકમાં થયેલા કુલ 3,921 મોતમાંથી મહારાષ્ટ્રમાં 2,771 તમિલનાડુમાં 267, કેરળમાં 206 અને કર્ણાટકમાં 125ના મોત થયા હતા.