ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટ્યા બાદ બુધવારે મોતની સંખ્યામાં એકાએક મોટો ઉછાળો આવ્યો હતો. દેશમાં એક દિવસમાં કોરોનાથી 6,148 લોકોના મોત થયા હતા, જે મહામારીની શરૂઆત પછીનો સૌથી મોટો દૈનિક આંકડો છે. મોતનો આ આંકડો વિશ્વના કોઇપણ દેશમાં એક દિવસમાં કોરોનાથી થયેલા દૈનિક મોત કરતાં પણ વધુ છે.
દૈનિક મોતની સંખ્યામાં એકાએક ઉછાળાનું કારણ બિહાર દ્વારા બુધવારે તેના મૃત્યુઆંકમાં કરવામાં આવેલો વધારો છે.
ભારતના આ ગરીબ રાજ્યના આરોગ્ય વિભાગે બુધવારે મૃત્યુઆંકને 5,424થી વધારીને 9,429 કર્યો હતો. બિહાર સરકારના આ નિર્ણયથી એવી આશંકાને વેગ મળ્યો હતો કે દેશમાં વાસ્તવિક મૃત્યુઆંક સરકારી આંકડા કરતાં વધુ મોટો છે. દેશમાં એપ્રિલ અને મેમાં કોરોનાની ઘાતક બીજી લહેરથી દેશમાં હોસ્પિટલ બેડ, ઓક્સિજન અને દવાની ભયાનક અછત ઊભી થઈ હતી. ઘણા લોકોના પોતાના ઘરે તથા હોસ્પિટલના પાર્કિંગ લોટમાં પણ મોત થયા હતા. આમાંથી ઘણા લોકોના મોતની સત્તાવાર આંકમાં ગણતરી થઈ ન હતી, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
બિહારના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે નવા જાહેર કરવામાં આવેલા મોત ગયા મહિનાના છે અને રાજ્ય સરકાર આ અંગે તપાસ કરી રહી છે. આ મોત છેલ્લાં 15 દિવસમાં થયા હતા અને સરકારના પોર્ટલ પર હવે અપલોડ કરવામાં આવ્યા હતા.
દેશમાં કોરોનાના નવા 94,052 કેસ નોંધાયા હતા અને તેનાથી કુલ કેસનો આંકડો 2.91 કરોડને વટાવી ગયો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે સવારે જારી કરેલા ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં નવા આશરે 94,000 કેસ સામે આશરે 2.75 લાખ લોકો રિકવર થયા હતા. જોકે એક દિવસમાં વિક્રમજનક 6,148 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 3,59,676 થયો હતો. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11,67,952 થયા હતા, જે કુલ કેસના આશરે ચાર ટકા છે. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ સુધરીને 94.77 થયો હતો. બુધવારે આશરે 20 લાખ લોકોનો કોરોના ટેસ્ટ થયો હતો. ડેઇલી પોઝિટિવિટી રેટ4.69 ટકા થયો હતો, જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 5.43 ટકા રહ્યો હતો. દેશમાં કોરોનાના નવા કેસ કરતાં રિકવર થયેલા દર્દીની સંખ્યા સતત 28માં દિવસે સૌથી વધુ રહી હતી. કોરોનાનો મૃત્યુદર વધીને 1.23 ટકા થયો હતો.