ભારતમાં કોરોનાના વાઇરસના કેસોનો દૈનિક વધારો મંગળવારે સતત ત્રીજા દિવસે 90,000થી વધુ રહ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે આઠ વાગ્યે જારી કરેલી માહિતી મુજબ દેશમાં છેલ્લાં 24 કલાકમાં 96,982 નવા કેસ નોંધાયા હતા અને 446 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 1,26,86,049 થયા હતા, જ્યારે કુલ મૃત્યુઆંક વધીને 1,65,547 થયો હતો.
સોમવારે ભારતમાં અત્યાર સુધીના સૌથી વધુ 1,03,558 કેસ નોંધાયા હતા. કોરોના એક્ટિવ કેસની સંખ્યા સતત 27માં દિવસે વધીને 7,88,223 થઈ હતી, જે કુલ કેસના 6.21 ટકા હતા. રિકવરી રેટ ઘટીને 92.48 ટકા થયો હતો. દેશમાં 12 ફેબ્રુઆરીએ એક્ટિવ કેસની સંખ્યા સૌથી ઓછી 1,35,926 હતી. દેશમાં અત્યાર સુધી 1,17,32,279 કોરોનામુક્ત બન્યાં છે. કોરોનાનો મૃત્યુદર ઘટીને 1.30 ટકા થયો હતો.
દેશમાં મંગળવારે 446 લોકોના મોતમાંથી મહારાષ્ટ્રમાં 155, પંજાબમાં 72, છત્તીસગઢમાં 44, કર્ણાટકમાં 32 તથા દિલ્હી, ગુજરાત અને મધ્યપ્રદેશ પ્રત્યેકમાં 15ના મોત થયા હતા. ઉત્તરપ્રદેશમાં 13 અને કેરળમાં 12ના મોત થયા હતા.
