ભારતમાં અગાઉના દિવસની સરખામણીમાં કોરોનાના નવા કેસ અને કોરોનાથી થયેલા મૃત્યુઆંકમાં વધારો નોંધાયો છે. દેશમાં મંગળવારે કોરોનાના આશરે 1.30 લાખ નવા કેસ નોંધાયા હતા અને અને મૃત્યુઆંક 3000થી ઓછો નોંધાયો હતો, જોકે, બુધવારે 1,32,788 કેસ નોંધાયા હતા અને 3,207 દર્દીઓએ મોત થયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય બુધવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા ડેટા મુજબ દેશમાં છેલ્લાં 24 કલાકમાં દેશમાં વધુ 1.32 નવા કેસ નોંધાતા ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,83,07,832 થઈ ગઈ હતી. એક દિવસમાં વધુ 3.207 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક વધીને 3,35,102 થઈ ગયો હતો.
છેલ્લાં 24 કલાકમાં વધુ 2,31,456 લોકો કોરોનાને હરાવીને સાજા થયા હતા, આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 2,61,79,085 પર પહોંચી ગઈ છે. ભારતમાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થવાથી અને નવા કેસમાં ઘટાડો થતા એક્ટિવ કેસનો આંકડો ઘટીને 17,93,645 થયો હતો.
16 જાન્યુઆરીએ ભારતમાં કોરોના રસીકરણ અભિયાન શરુ થયું હતું જેમાં મંગવાર સુધીમાં કુલ 21,85,46,667 ડોઝ આપવામાં આવ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) મુજબ દેશમાં કોરોના ટેસ્ટ માટે કુલ 35,00,57,330 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં મંગળવારે 20,19,773 સેમ્પલ લેવામાં આવ્યા હતા.