ભારતમાં કોરોનાની બીજી લહેરની તીવ્રતા ઘટી છે. દેશમાં મંગળવારે એક મહિના પછી પ્રથમવાર કોરોનાના દૈનિક કેસનો આંકડો 2 લાખ કરતા નીચો રહ્યો છે. બીજી રાહતની વાત એ છે કે મોતની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 2,69,48,874 થઈ હતી, જેમાંથી અત્યાર સુધી 2,40,54,861 લોકો રિકવર થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જારી કરેલા ડેટા મુજબ દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1,96,427 કેસ નોંધાયા હતા અને 3,511ના મોત થયા હતા. મોતની આ સંખ્યા છેલ્લાં 21 દિવસમાં સૌથી નીચી છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 3,07,231 લોકોના મોત થયા છે.
એક્ટિવ કેસની સંખ્યા વધી ઘટીને 25,86,782 થઈ હતી, જે કુલ કેસના આશરે 9.60 ટકા થાય છે. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ પણ સુધરીને 89.26 થયો હતો. કોરોનાનો મૃત્યુદર 1.14 ટકા રહ્યો હતો. દેશમાં થયેલા કુલ 3,511 મોતમાંથી મહારાષ્ટ્રમાં 592, કર્ણાટકમાં 529, તમિલનાડુમાં 404, દિલ્હીમાં 207, કેરળમાં 196, પંજાબમાં 187, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ પ્રત્યેકમાં 153, ઉત્તરાખંડમાં 122 અને રાજસ્થાનમાં 103ના મોત થયા હતા.
મંત્રાલયે જણાવ્યું હતું કે દૈનિક કોરોના પોઝિટિવિટી રેટ ઘટ્યો છે અને હવે 9.54 ટકા છે, જ્યારે સતત 12માં દિવસે નવા કેસ કરતાં રિકવર થયેલા કેસની સંખ્યા વધુ હતી. ગુજરાતમાં સોમવારે કોરોનાના 3,187 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 9,305 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા હતા. સોમવારે રાજ્યમાં કોરોના લીધે 45 દર્દીઓના મોત થયા હતા.
કોરોનાના સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં હવે રાહતના સંકેત મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના સંક્રમણના 22,122 નવા કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 42,320 લોકો સાજા થયા હતા