ભારતમાં કોરોનાના કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ મૃત્યુની સંખ્યા હજુ ઘણી ઊંચી છે. આ સપ્તાહે કોરોનાના કુલ કેસમાં 20 લાખનો વધારો થયો છે અને આશરે 28,000 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જારી કરેલા ડેટા અનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં વધુ 3,11,170 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 4,077 લોકોના મોત થયા હતા. દેશમાં આ સપ્તાહે સતત ચોથી વાર એક દિવસમાં 4,000 લોકોના મોત થયા હતા. નવા કેસો સામે 3,62,437 દર્દીઓએ સાજા થઈને કોરોનાને હરાવ્યો હતો.
ભારતમાં કુલ કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંકડો વધીને 2,46,84,077 થયો હતો, જ્યારે 2,07,95,335 દર્દીઓ સાજા થયા હતા અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 36,18,458 થઈ હતી. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની મહામારીના કારણે 2,70,284 દર્દીઓનો જીવ ગયો છે. હાલમાં રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ સુધરીને 84.25 ટકા થયો હતો.
ગુજરાતમાં શનિવારે નોંધાયેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં કોરોના વાયરસના નવા 9061 કેસો નોંધાયા છે અને સામે 15076 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં વધુ 95 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 9039 પર પહોંચ્યો હતો.
એક દિવસમાં 4,077 લોકોના મોતમાંથી મહારાષ્ટ્રમાં 960, કર્ણાટકમાં 349, દિલ્હીમાં 337 અને તમિલનાડુમાં 303 લોકોના મોત થયા હતા.
શનિવારે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પોઝિટિવિટી રેટ ઘટીને 19.8 ટકા થયો છે, જે ગયા સપ્તાહે 21.9 ટકા હતો. આમ દેશમાં દૈનિક કેસમાં સ્થિરતા આવી રહી હોવાના સંકેત મળે છે, પરંતુ તમિલનાડુ અને ગ્રામીણ વિસ્તારોમાં નવા કેસોમાં ઉછાળો આવ્યો છે. સરકારે રવિવારે ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાને અંકુશમાં લેવા નવી ગાઇડલાઇન જારી કરી હતી.