ભારતમાં સતત ચાર દિવસ સુધી કોરોનાના ચાર લાખ કરતાં વધુ કેસ બાદ સોમવારે નવા કેસોની સંખ્યામાં થોડો ઘટાડો થયો હતો. દેશમાં સોમવારે કોરોના વાઇરસના નવા 366,161 કેસ નોંધાયા હતા અને 3,754 લોકોના મોત થયા હતા. તેનાથી કુલ કેસની સંખ્યા વધીને 22.66 મિલિયન (આશરે 2.66 કરોડ) થઈ હતી અને કુલ મૃત્યુઆંક વધીને 246,116 થયો હતો. કોરોનાના વિકરાળ સ્વરૂપને કારણે દેશમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની માગણીમાં પણ વધારો થઈ રહ્યો છે.
હોસ્પિટલમાં બેડ અને મેડિકલ ઓક્સિજનન અને દવાની તીવ્ર અછત વચ્ચે નિષ્ણાતો જણાવે છે કે ભારતમાં કોરોનાનો વાસ્તવિક આંકડો સત્તાવાર આંકડા કરતાં વધુ મોટો હોઇ શકે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડેટા મુજબ રવિવારે 1.47 મિલિયન કોરોના ટેસ્ટ થયા હતા, જે આ મહિનાના અત્યાર સુધીના સૌથી ઓછા છે. આની સામે મે મહિનાના પ્રથમ આઠ દિવસમાં દરરોજ સરેરાશ 1.7 મિલિયન કોરોના ટેસ્ટ થતાં હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે જારી કરેલા ડેટા મુજબ દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 37.45,237 છે, જે કુલ કેસના 16.53 ટકા છે. રાષ્ટ્રીય રિકવરી રેટ 82.39 ટકા છે. દેશમાં અત્યાર સુધી 1,86,71,222 લોકો કોરોનાથી રિકવર થયા છે અને મૃત્યુદર 1.09 ટકા છે. દેશમાં થયેલા 3,754 લોકોના મોતમાંથી મહારાષ્ટ્રમાં 572, કર્ણાટકમાં 490, ઉત્તરપ્રદેશમાં 294, દિલ્હીમાં 273, તમિલનાડુમાં 236, પંજાબમાં 191 અને છત્તીસગઢમાં 189ના મોત થયા હતા.
દેશમાં કોરોનાના કુલ નવા કેસમાંથી 73.91 ટકા કેસ દસ રાજ્યોમાં નોંધાયા હતા. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી સૌથી વધુ અસરગ્રસ્ત છે. સોમવારે મહારાષ્ટ્રમાં 48,401, કર્ણાટકમાં 47,930 અને કેરળમાં 35,801 નવા કેસ નોંધાયા હતા. દિલ્હીમાં 13,336 નવા કેસ અને 273 મોત નોંધાયા હતા.
દેશના સંખ્યાબંધ રાજ્યોમાં છેલ્લાં એક મહિનાથી આકરાં નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. સિનેમા હોલ, રેસ્ટારાં, પબ, શોપિંગ મોલ અને લોકોની અવરજવર પર આકરા નિયંત્રણો છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ગયા વર્ષ જેવું રાષ્ટ્રીય લોકડાઉન લાદવાનું દબાણ વધી રહ્યું છે.
વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશ ભારતમાં હજુ 34.3 મિલિયન લોકોનું સંપૂર્ણ વેક્સિનેશન કરવામાં આવ્યું છે, જે 1.35 બિલિયનની વસતીના માત્ર 2.5 ટકા છે.
વ્હાઇટ હાઉસનાા કોરોના વાઇરસ એડવાઇઝ ડો એન્થની ફૌસીએ રવિવારે જણાવ્યું હતું કે તેમણે ભારત સરકારને શટડાઉનની સલાહ આપી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ પણ સંપૂર્ણ લોકડાઉનની માગણી કરી છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતને વૈશ્વિક રાહત તરીકે 6,738 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ, 3,856 ઓક્સિજન સિલિન્ડર્, 16 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, 4,668 વેન્ટિલેટર્સ/ Bi PAP/ C PAP અને ત્રણ લાખથી વધુ રેમડેસિવિર ઇન્જેક્શન મળ્યા છે.