ભારતમાં રવિવારે સતત ચોથા દિવસે કોરોના વાયરસના કેસનો આંકડો 4 લાખને વટાવી ગયો હતો. કોરોનાથી મોતની સંખ્યા પણ સતત બીજા દિવસે 4,000ને વટાવી ગઈ હતી. ભારતના ઘણા રાજ્યોમાં આકરું લોકડાઉન લાદવામાં આવ્યું હોવા છતાં કોરોના અંકુશમાં આવતો નથી. તેથી રાષ્ટ્રીય લોકડાઉનની માગણી થઈ રહી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં પાછલા 24 કલાકમાં વધુ 4,03,738 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 4,092 લોકોના મોત થયા હતા. તેનાથી કુલ મૃત્યુઆંક વધીને 242,362 થયો હતો.
દેશમાં કુલ કોરોના કેસનો આંકડો વધીને 2,22,96,414 થઈ ગયો છે. કોરોનાના કેસની સંખ્યામાં વધારો થવાની સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે, દેશમાં પાછલા 24 કલાકમાં વધુ 3,86,444 દર્દીઓ સાજા થયા હતા, જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1,83,17,404 થઈ ગઈ હતી. હાલ ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 37,36,648 પર પહોંચી ગઈ હતી.
ગયા વર્ષે કોરોનાની પ્રથમ લહેર વખતે લાદવામાં આવ્યું હતું તેવું રાષ્ટ્રીય લોકડાઉન લાદવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દબાણ વધી રહ્યું છે. તમામ ડોક્ટર્સ અને સર્જનના સંગઠનના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનને નાઇટ કરફ્યૂ અને નિયંત્રણોની જગ્યાએ સંપૂર્ણ રાષ્ટ્રીય લોકડાઉન લાદવાની માગણી કરી હતી.