દસ કરતાં વધુ રાજ્યોમાં કોરોના સંબંધિત આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા હોવા છતાં ભારતમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર મોટો ઉછાળો આવતા ફરી વિક્રમજનક કેસો નોંધાયા હતા અને આશરે 4,000 લોકોના મોત થયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે સવારે આઠ વાગ્યે જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 4,12,262 કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોના વાયરસની મહામારી આવી તે પછી પહેલી વખત એક દિવસમાં આટલા વધુ કેસ નોંધાયા છે. આ પહેલા 30 એપ્રિલના રોજ કોરોનાના કેસ 4 લાખને પાર ગયા હતા. જે પછી બીજી વખત આવું બન્યું છે. આ સાથે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો આંકડો 4000ની નજીક પહોંચી ગયો હતો.
સરકારના આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 2,10,77,410 થઈ ગયો છે. જ્યારે વધુ 3,980 દર્દીઓએ 24 કલાકમાં કોરોના સામે દમ તોડ્યો છે, આ સાથે કુલ મૃત્યુઆંક 2,30,168 થઈ ગયો છે.
દેશમાં ગુરુવારે 3,29,113 દર્દીઓ કોરોનાનને હરાવીને સાજા થયા છે. જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1,72,80,844 થઈ ગઈ છે. ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યા વધતા એક્ટિવ કેસનો આંકડો 35 લાખને પાર કરીને 35,66,398 થઈ ગયો છે. મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં કોરોના સામે લડવા માટે કુલ 16,25,13,339 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોનાનો એક દિવસનો મૃત્યુઆંક 4000ની નજીક પહોંચી ગયો છે, જેમાં ઉત્તરપ્રદેશ, કર્ણાટકા, પંજાબ, હરિયાણા અને તામિલનાડુમાં એક દિવસમાં રેકોર્ડ કેસ નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે.
દસ રાજ્યોમાં 72.19 ટકા કેસ
દેશમાં ગુરુવારે નોંધાયેલા કુલ કેસમાંથી 72.19 ટકા કેસ દસ રાજ્યોમાં નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાના નવા 57,640 અને કર્ણાટકમાં 50,111 કેસ નોંધાયા હતા. કેરળમાં પણ વિક્રમજનક 41,953 કેસ નોંધાયા હતા. ગુરુવારે મહારાષ્ટ્રમાં 920, ઉત્તરપ્રદેશમાં 353 લોકોના મોત થયા હતા. રાષ્ટ્રીય મૃત્યુદર કથળીને 1.09 ટકા થયો હતો. દેશમાં હાલ 35,66,398 એક્ટિવ કેસ છે, જે કુલ કેસના 16.92 ટકા છે. કુલ એક્ટિવ કેસમાંથી 12 રાજ્યોમાં 81.05 ટકા એક્ટિવ કેસ છે.