ભારતમાં હોસ્પિટલો, દવાઓ, ઓક્સિજનની તીવ્ર અછત વચ્ચે કોરોના વાઇરસના સતત સાતમાં દિવસે ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા અને ત્રણ હજારથી વધુ લોકોના મોત થયા હતા. તેનાથી કોરોના કુલ મોતનો આંકડો 2 લાખને વટાવી ગયો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવાર સવારે આઠ વાગ્યે જારી કરેલી માહિતી મુજબ છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના નવા 3,60,960 કેસ નોંધાયા હતા અને 3,292 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 1,79,97,267, થઈ હતી. દેશમાં અત્યાર સુધી 1,48,17,371 લોકો રિકવર થયા હતા.
સરકારના ડેટા અનુસાર કોરોનાનો મૃત્યુદર વધીને 1.12 ટકા થયો હતો. એક્ટિવ કેસની સંખ્યા વધીને 29,78,709 થઈ હતી, જે કુલ કેસના આશરે 16.55 ટકા છે.
રાષ્ટ્રીય રિકવરી રેટ ઘટીને 82.33 ટકા થયો હતો. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 2,01,187 લોકોના મોત થયા છે. મંગળવારે થયેલા કુલ 3,293 મોતમાંથી મહારાષ્ટ્રમાં 895 લોકો, દિલ્હીમાં 381 લોકો, ઉત્તરપ્રદેશમાં 264 લોકો, છત્તીસગઢમાં 246, કર્ણાટકમાં 180 અને ગુજરાતમાં 170 લોકોના મોત થયા હતા.
દેશમાં નોંધાયેલા કુલ મોતમાંથી 78.53 ટકા મોત દસ રાજ્યોમાં થયા હતા. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. દેશમાં કોરોના નોંધાયેલા નવ કેસમાંથી 73.59 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાઇરસના નવા 66,358 કેસ નોંધાયા હતા. ઉત્તરપ્રદેશમાં 32,921 અને કેરળમાં 32,819 કેસ નોંધાયા હતા.