ભારતમાં સોમવારે કોરોના વાઇરસના સતત પાંચમાં દિવસે ત્રણ લાખથી વધુ દૈનિક કેસ નોંધાયા હતા અને 2,812 લોકોના મોત થયા હતા. દેશમાં હોસ્પિટલ બેડ, ઓક્સિજન, દવાઓની ભારે અછત વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં આશરે 3.53 લાખ કોરોના કેસ નોંધાયા હતા. દેશમાં શરુ થયેલી મહામારીના અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
દેશમાં 2,19,272 લોકો કોરોનાને હરાવીને સાજા થયા હતા. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 28,13,658 પર પહોંચી ગયો હતો, જે કુલ કેસના 16.25 ટકા થાય છે. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ ઘટીને 82.62 ટકા થયા હતો. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,73,13,163 પર પહોંચી ગઈ છે અને 1,95,123 લોકોના જીવ ગયા છે, આ સામે 1,43,04,382 કોરોનાના દર્દીઓ સાજા થઈ ગયા છે.
ICMR મુજબ દેશમાં 25 એપ્રિલ સુધીમાં 27,93,21,177 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં રવિવારે કુલ 14,02,367 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ભારતમાં અત્યાર સુધીમાં કુલ કોરોના વેક્સીનના 14,19,11,223 ડોઝ આપવામાં આવ્યા છે. 16 જાન્યુઆરીએ દેશમાં કોરોના રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું, હવે આગામી તબક્કામાં 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવશે.