ભારતમાં સતત બીજા દિવસે કોરોના વાઇરસના ત્રણ લાખથી વધુ વિક્રમજનક કેસો નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં વધુ 3,32,730 કોરોના કેસ નોંધાયા હતા, ગયા વર્ષે ભારતમાં કોરોનાની મહામારીનો પ્રારંભ થયા બાદ અત્યાર સુધીના એક દિવસમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે. કોરોનાના કુલ કેસનો આંકડો 1,62,63,695 થઈ ગયો હતો. અગાઉ ભારતે એક દિવસમાં અમેરિકામાં નોંધાયેલા સૌથી વધુ કેસનો રેકોર્ડ તોડ્યા બાદ ગુરુવારે પણ દુનિયામાં ક્યાંય ના નોંધાયા હોય તેટલાક કેસ એક દિવસમાં ભારતમાં નોંધાયા હતા. દેશમાં કોરોનાના કારણે એક દિવસમાં 2,263 વ્યક્તિના મોત પણ થયા હતા.
દેશમાં નોંધાયેલા કુલ કેસોમાંથી 75 ટકા કેસો નવ રાજ્યોમાં નોંધાયા હતા. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં 67,013 કેસ નોંધાયા હતા. ઉત્તરપ્રદેશમાં 34,254 અને કેરળમાં 26,995 કેસ નોંધાયા હતા.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સતત 45માં દિવસે વધીને 24,28,616 થઈ હતી, જે કુલ કેસના 14.93 ટકા થાય છે. કુલ એક્ટિવ કેસમાંથી 59.12 ટકા એક્ટિવ કેસ પાંચ રાજ્યોમાં હતા. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કેરળનો સમાવેશ થાય છે.
આરોગ્ય મંત્રાલયે શુક્રવાર સવારે રજૂ કરેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં વધુ 2,263 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતા. છેલ્લાં કેટલાક દિવસથી દેશમાં 2000 કરતા વધુ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી રહ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,86,920 થઈ ગયો હતો.