ભારતમાં કોરોનાના કેસનો દૈનિક આંકડો બુધવારે ત્રણ લાખની એકદમ નજીક પહોંચી ગયો હતો. મૃત્યુ પામનારા દર્દીઓનો આંકડો 2000ને પાર થઈ ગયો હતો. કોરોનાની બીજી લહેરનો ગ્રાફ દિવસેને દિવસે વધારેને વધારે ઊંચો જઈ રહ્યો છે. જો આ રીતે કેસ વધતા રહ્યા તો ભારતમાં જલદી અમેરિકાના રેકોર્ડ તોડીને તેને પાછળ છોડી શકે છે. એક દિવસમાં દુનિયામાં સૌથી વધુ કેસ અમેરિકા નોંધાયેલા છે. અમેરિકામાં 8 જાન્યુઆરીએ 3,07,570 નવા કેસ નોંધાયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,95,041 નવા કેસ નોંધાયા હતા અને 2,023 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. તેનાથી કુલ કુલ આંકડો 1,56,16,130 થયો હતો. હાલમાં દેશમાં 21,57,538 એક્ટિવ કેસ છે.
એક દિવસમાં 2000થી વધુ દર્દીઓના કોરોના કારણે મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 1,82,553 પર પહોંચી ગયો હતો. ભારતમાં 24 કલાકમાં 1,67,457 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા હતા, તેનાથી કોરોનાને હરાવનારા કુલ દર્દીઓની સંખ્યા વધીને 1,32,76,039 થઈ ગઈ હતી. ભારતમાં 20 એપ્રિલ સુધી કુલ 13,01,19,310 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં 16 જાન્યુઆરીએ કોરોના રસી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
દેશમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસમાંથી દસ રાજ્યોમાં 76 ટકા કેસ નોંધાયા હતા. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કેરળ અને તમિલનાડુનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 62,097 નવા કેસ નોંધાયા હતા. ઉત્તરપ્રદેશમાં 29,574 અને દિલ્હીમાં 28,395 નવા કેસ નોંધાયા હતા.
દેશમાં કુલ એક્ટિવ કેસમાંથી 60.86 ટકા કેસ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કેરળમાં છે. કોરોનાનો રાષ્ટ્રીય મૃત્યુદર ઘટીને 1.17 ટકા થયો હતો. દેશમાં થયેલા કુલ 2,023 મોતમાંથી 82.6 ટકા મોત દસ રાજ્યોમાં થયા હતા. મહારાષ્ટ્રમાં 519 અને દિલ્હીમાં 277 લોકોના મોત થયા હતા.