Indira Gandhi International Airport
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં ઉડ્ડયન કરતાં પહેલા આંતરરાષ્ટ્રીય મુસાફરોને એર સુવિધા પોર્ટલ પર કોવિડ વેક્સિન સર્ટિફિકેટ કે RT-PCR નેગેટિવ રીપોર્ટ અપલોડ કરવામાંથી ટૂંકસમયમાં મુક્તિ મળે તેવી શક્યતા છે. ભારત સરકાર આ અંગેની જોગવાઈને દૂર કરવાની સક્રિય વિચારણા કરી રહી છે. જોકે આ પોર્ટલ પર સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મ ભરવાનો નિયમ ચાલુ રહેશે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય મુસાફરો એર સુવિધા પોર્ટલ અંગે વારંવાર ફરિયાદ કરી રહ્યાં છે. મુસાફરોની ફરિયાદો મળતી હતી કે આ પોર્ટલ ઘણીવાર ડાઉન થઈ જાય છે અને વેક્સિન સર્ટિફિકેટ અપલોડ કરવાનું મુશ્કેલ બને છે. તેથી વેક્સિન સર્ટિફિકેટ અપલોડ કરવાનો નિયમ રદ થવાથી આંતરરાષ્ટ્રીય મુસાફરોને રાહત મળશે.

સૂત્રે જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ નિયમને દૂર કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસેથી તાજેતરમાં અભિપ્રાય માંગ્યા હતા. આરોગ્ય મંત્રાલયે આ અંગે આગળ વધવાનો અભિપ્રાય આપ્યો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મંગળવારના ડેટા મુજબ ભારતમાં કોરોનાના દૈનિક 12,751 કેસ નોંધાયા હતા અને 42 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 4.41 કરોડ થઈ હતી.