ભારત સરકારે દેશ સાથે જે દેશોની સરહદો જોડાયેલી હોય એવા દેશોએ કમર્શિયલ હેતુથી કોલસાની ખાણમાં ખનન કરવા પહેલાં ભારત સરકારની મંજૂરી લેવી પડશે એવી જાહેરાત કરીને ચીનને વધુ એક આંચકો આપ્યો હતો.
કમર્શિયલ કોલસા ખનન માટેના બહાર પડાયેલા ટેન્ડરપત્રમાં કેન્દ્ર સરકારે એક સુધારો-વધારો બહાર પાડ્યો હતો જેમાં જણાવાયા મુજબ ઓટોમેટિક રુટ દ્વારા વિદેશી કંપનીએાને 100 ટકા મૂડી રોકાણની છૂટ છે પરંતુ ભારત સાથે જે દેશોની સીમા મળતી હોય એવા દેશો ભારત સરકારની મંજૂરી મેળવે ત્યારબાદ જ તેમના ટેન્ડર પાસ થશે.
દેખીતી રીતેજ આ પ્રતિબંધ સૌથી વધુ નુકસાન ચીનને કરે એવો છે. આ જોગવાઇનો બીજો અર્થ એ પણ થાય કે કોઇ ચીની કંપની વ્યાવસાયિક કોલસા ખનન માટે ભારતીય ભાગીદાર સાથે સમજૂતી કરે એ પહેલાં સંબંધિત ચીની કંપનીએ ભારત સરકારની મંજૂરી લેવી પડશે. એ સિવાય ભારતીય કંપની સાથે જોડાણ કે મૂડીરોકાણ નહીં કરી શકે.
કેન્દ્રના કોલસા ખાતાએ આ સ્પષ્ટતા એટલા માટે કરી કે કોઇ ઇન્વેસ્ટર ભારતમાં રોકાણ કરવા પહેલાં પોતાની યોગ્યતા સ્પષ્ટ કરી દે. જાણકારોના કહેવા મુજબ સંવેદનશીલ સેક્ટર્સમાં ચીની કંપનીઓના પગપેસારાને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું હતું.
કોલસાની ખાણની લીલામી હેઠળ કુલ 17 અબજ ટન કોલસો ધરાવતી 41 ખાણની લીલામી થવાની છે. એમાં મોટી અને નાની બંને પ્રકારની ખાણનો સમાવેશ થયો હતો. આ ખાણો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને ઓરિસામાં
આવેલી છે.