ભારતની આઝાદી બાદથી ભારતીય પ્રવાસીઓનું બીજુ ઘર બનેલી અને ભારતીય હાઈ કમિશનર કૃષ્ણ મેનન દ્વારા 1951માં સેન્ટ્રલ લંડનના સ્ટ્રાન્ડમાં સ્થાપવામાં આવેલી લંડનની ઐતિહાસિક ‘ઈન્ડિયા ક્લબ’ 70 વર્ષ બાદ આગામી મહિને તા. 17 સપ્ટેમ્બરના રોજ બંધ થઇ રહી છે.
‘ઈન્ડિયા ક્લબ’ને બંધ કરવા વિરુદ્ધની લાંબી લડાઈમાં સમર્થકોની હાર થતા આખરે ક્લબ બંધ થઇ રહી છે. ઈંગ્લેન્ડની શરૂઆતની ભારતીય રેસ્ટોરન્ટ્સ બ્રિટિશ સાઉથ એશિયન કોમ્યુનિટીમાં પ્રિય હતી અને ભારતની સ્વતંત્રતા બાદ ઈંગ્લેન્ડમાં ભારતીય પ્રવાસીઓનું કેન્દ્ર બની રહી હતી.
ઈન્ડિયા ક્લબની પ્રોપરાઈટર યાદગાર માર્કર અને તેમની પુત્રી ફિરોઝાએ ક્લબને બચાવવા ‘સેવ ઈન્ડિયા ક્લબ’ નામથી અપીલ શરૂ કરી હતી. પણ ફિરોઝાએ તેને બંધ કરવાની ઘોષણા કરતાં કહ્યું હતું કે ‘’ખૂબ જ ભારે મનથી અમારે ઘોષણા કરવી પડી રહી છે કે, હવે 17 સપ્ટેમ્બર સુધી જ ‘ઈન્ડિયા ક્લબ’ જનતા માટે ખુલ્લી રહેશે. હું બાળપણથી પિતાને મદદ કરતી હતી અને ક્લબ સાથે મારો 26 વર્ષ જુનો આત્મીયતાનો સબંધ હતો. હવે તેને બંધ કરવાની ઘોષણા કરવી મારા માટે ખૂબ જ મુશ્કેલ છે. મારા પિતાએ મેનન સાથે પણ કામ કર્યું હતું.’’
તે એક ઐતિહાસિક બેઠક સ્થળ અને રેસ્ટોરંટ હતી. બિલ્ડિંગને તોડીને ત્યાં એક આધુનિક હોટલ માટે રસ્તો બનાવવામાં આવશે. 70 વર્ષ પહેલા ભારતીય ઉપખંડના પ્રથમ પેઢીના લોકો માટે આ ક્લબ બીજુ ઘર હતું. સેન્ટર ફોર માઈગ્રેશન એન્ડ ડાયસ્પોરા સ્ટડીઝના સ્થાપક અને અધ્યક્ષ પાર્વતી રમને જણાવ્યું કે, મેનનનું માનવું હતું કે, આપણે એવો ક્લબ બનાવવો જોઈએ કે ગરીબ ભારતીયો પણ અહીં ખાઈ શકે.