અમદાવાદમાં ગયા સપ્તાહે બુધવારે પ્રવાસી ન્યૂ ઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ટી-20માં ઓપનર શુભમન ગિલની ઝમકદાર સદી અને તે પછી બોલર્સના તરખાટ સાથે ભારતે ન્યૂ ઝીલન્ડને 168 રનના રેકોર્ડ માર્જીનથી હરાવી ટી-20 સીરીઝ પણ 2-1થી જીતી લીધી હતી. પ્રથમ ટી-20માં પરાજય પછી ભારતની આ શાનદાર વાપસી રહી હતી.
ભારતે પહેલા બેટિંગ કરતાં ગિલના અણનમ 126 સાથે ચાર વિકેટે 234 રનનો જંગી જુમલો ખડકી દીધો હતો. તેના જવાબમાં ન્યૂ ઝીલેન્ડની આખી ટીમ 13મી ઓવરમાં ફક્ત 66 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી ઓપનર શુભમન ગિલે આકર્ષક ફટકાબાજી સાથે ફક્ત 63 બોલમાં 7 છગ્ગા અને 12 ચોગ્ગા સાથે અણનમ 126 રન કર્યા હતા. આ સાથે શુભમન ગિલે ત્રણે ફોર્મેટ (વન-ડે, ટી-20 તથા ટેસ્ટ મેચ) માં સદીનો અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલાં ભારત તરફથી ત્રણે ફોર્મેટમાં સદી કરનારા ખેલાડીઓમાં રોહિત શર્મા, કે. એલ. રાહુલ, સુરેશ રૈના અને વિરાટ કોહલીનો સમાવેશ થાય છે.
ભારતે જો કે, ઈશાન કિશનની વિકેટ સસ્તામાં ગુમાવી હતી. તે ફક્ત 1 રન કરી આઉટ થયો હતો. એ પછી રાહુલ ત્રિપાઠીએ આક્રમક 44 રન 22 બોલમાં 4 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે કર્યા હતા. સૂર્યકુમાર યાદવ 13 બોલમાં 24 રન તથા હાર્દિક પંડ્યા 30 રન કરી આઉટ થયો હતો.
એ પછી, ન્યૂ ઝીલેન્ડ તો એની કંગાળ શરૂઆતમાંથી ઉગરી શક્યું જ નહોતું. ભારતે પહેલી, બીજી, ત્રીજી અને પાંચમી ઓવર્સમાં વિકેટો ખેરવી 21 રનમાં તો અડધી ટીમને પાછી પેવેલિયનમાં મોકલી આપી હતી. છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 32 રન ટીમની સૌથી મોટી ભાગીદારી રહી હતી. તેના ફક્ત બે બેટર – સુકાની મિચેલ સેન્ટનર અને ડેરીલ મિચેલ બે આંકડાના સ્કોરે પહોંચી શક્યા હતા, તો ચાર બેટર ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. ભારત તરફથી સુકાની હાર્દિક પંડ્યાએ ચાર તથા અર્શદીપ, ઉમરાન મલિક અને શિવમ માવીએ 2-2 વિકેટ લીધી હતી.શુભમન ગિલને પ્લેયર ઓફ ધી મેચ તથા સુકાની હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા.