UK economy avoids recession: 0.1 percent growth in Q4
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ મંગળવારે જણાવ્યું હતું કે ચીન અને ભારતના વૃદ્ધિદરને એકસાથે ગણવામાં આવે તો આ બંને દેશો 2023માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં આશરે 50 ટકા પ્રદાન આપશે.  આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં થોડી નરમાઇની ધારણા છે અને આર્થિક વૃદ્ધિદર ઘટી 6.1 ટકા થવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્રમાં 6.8 ટકા વૃદ્ધિનો અંદાજ છે. જોકે 2024માં અર્થતંત્રમાં રિકવરી આવશે અને વૃદ્ધિદર વધી 6.8 ટકા થશે.

IMFએ મંગળવારે તેના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકનું જાન્યુઆરી અપડેટ જારી કર્યું હતું. આઇએમએફના ચીફ ઇકોનોમિસ્ટ અને ડિરેક્ટર (રીસર્ચ ડિપાર્ટમેન્ટ) પિયર-ઓલિવિયર ગૌરીનચાસે જણાવ્યું હતું કે ભારત માટેના અમારા વૃદ્ધિના અંદાજમાં ઓક્ટોબર આઉટલુકથી કોઇ ફેરફાર થયો નથી. માર્ચ 2023 સુધીના ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.8 ટકા છે, જ્યારે 2023ના નાણાકીય વર્ષમાં વૃદ્ધિ ઘટીને 6.1 ટકા થવાની ધારણા છે. આ નરમાઇ માટે મોટાભાગે વિદેશી પરિબળો કારણભૂત છે.

રીપોર્ટમાં જણાવ્યા મુજબ ઊભરતા અને વિકાસશીલ એશિયાનો આર્થિક વૃદ્ધિદર વધીને 2023માં 5.3 ટકા અને 2024માં 5.2 ટકા થવાની ધારણા છે. ચીનના અર્થતંત્રમાં નરમાઇને કારણે 2022માં એશિયાનો વૃદ્ધિદર ધારણા કરતાં વધુ ઘટીને 4.3 ટકા થયો હતો.

ચીન અંગે રીપોર્ટમાં જણાવાયું છે કે 2022ના ચોથા ક્વાર્ટરમાં ચીનની જીડીપીમાં નરમાઇને કારણે 2022માં તેની વૃદ્ધિ 3.0 ટકા રહી હતી. ચીનનો વૃદ્ધિ વૈશ્વિક સરેરાશ કરતાં નીચી રહી હોય તેવું 40 વર્ષમાં પ્રથમ વખત બન્યું છે. ચીનનો વૃદ્ધિદર 2023માં વધીને 5.2 ટકા થવાનો અંદાજ છે, જોકે 2024માં તે ઘટીને 4.5 ટકા થશે. આ ઉપરાંત મધ્યમ ગાળામાં ચીનનો જીડીપી ગ્રોથ 4 ટકાથી નીચો રહી શકે છે.

વૈશ્વિક આર્થિક વૃદ્ધિના અંદાજમાં વધારો

ઊંચો ફુગાવો, ઊંચા વ્યાજદર તથા રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ હોવા છતાં વૈશ્વિક અર્થતંત્રનું ભાવિ થોડુ સુધર્યુ છે. ચાલુ વર્ષે વૈશ્વિક અર્થતંત્રમાં 2.9 ટકા વૃદ્ધિનો અંદાજ છે. ઓક્ટોબરમાં આઇએમએફે વૃદ્ધિ માટે 2.7 ટકા અંદાજ આપ્યો હતો. ચીનને ઝીરો કોવિડ પોલિસીને રદ કરી હોવાથી અને વૈશ્વિક અર્થતંત્રો પ્રતિકાર ક્ષમતા દર્શાવી રહ્યાં હોવાથી આર્થિક ભાવિ પણ સુધરી રહ્યું છે. આઇએમએફએ જણાવ્યું હતું કે અમેરિકાની ફેડરલ રિઝર્વ અને બીજા દેશોની મધ્યસ્થ બેન્કોએ વ્યાજદરમાં આક્રમક વધારો કર્યો હોવાથી આ વર્ષે ફુગાવાના દબાણમાં ઘટાડો થવાની ધારણા છે. તેનાથી ફુગાવો 8.8 ટકાથી ઘટીને 2023માં 6.6 ટકા થવાનો અંદાજ છે. 2024માં ફુગાવો વધુ ઘટી 4.3 ટકા થઈ છે.

LEAVE A REPLY