લદ્દાખમાં ચીનની ચાલ પર અંકુશ મૂકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સખ્ત સ્ટેન્ડ કારગર દેખાઇ રહ્યું છે. ભારતની તરફથી સખ્ત સંદેશ મળ્યા બાદ હવે ચીનના સૂર બદલાતા દેખાઇ રહ્યા છે. LAC પર તણાવ અને ચીની મીડિયામાં આક્રમક નિવેદનબાજી બાદ ચીને હવે સમજૂતીની ભાષા બોલવાનું શરૂ કરી દીધું છે. ભારતમાં ચીનના રાજદૂત સુન વેડાંગ એ કહ્યું કે ભારત અને ચીન એકબીજા માટે ખતરો નથી. દ્વિપક્ષીય સહયોગમાં બંને દેશોના મતભેદોનો પડછાયો પડવાની મંજૂરી આપવી જોઇએ નહીં.
ચીનના રાજદૂત સુન વેડાંગ એ બંને પાડોશી દેશોને એકબીજા માટે અવસરની જેમ ગણાવ્યા. તેણે કહ્યું કે રણનીતિક પરસ્પર વિશ્વાસ વધારવા માટે ભારત અને ચીને એકબીજાના વિકાસને યોગ્ય દ્રષ્ટિથી જોવા જોઇએ. ચીની રાજદૂતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે સરહદની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર અને નિયંત્રણમાં છે. આ નિવેદનમાં કહ્યું કે ભારત-ચીન વાતચીત દ્વારા મુદ્દા ઉકેલવામાં સક્ષમ છે.
આ બધાની વચ્ચે અત્યારે પૂર્વ લદ્દાખના તંગદિલીભર્ય વિસ્તારમાં સ્થિતિ પહેલાં જેવી છે. અહીં ભારતના વિસ્તારોમાં ચીનની સેનાએ ઘૂસણખોરી કરી હતી. બંને દેશોના કમાન્ડર સંપર્કમાં છે. ગયા સપ્તાહે ભારતે સ્પષ્ટતા કરી હતી કે આ ફોરવર્ડ પોઝીશનથી ત્યાં સુધી પાછળ હટશે નહીં જ્યાં સુધી ચીનના સૈનિક એલએસી પર પેટ્રોલિંગવાળી પૂર્વવત સ્થિતિમાં આવતા નથી.
ભારત-ચીન વિવાદમાં મધ્યસ્થી બનાવ ટ્રમ્પ તૈયાર
ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી લદ્દાખ અને સિક્કિમ સરહદે તંગદિલીપૂર્ણ વાતાવરણ છે. ખાસ કરીને લદ્દાખ સરહદે ચીન તેનું સૈન્યબળ વધારી રહ્યું છે તો ભારતે પણ ચીન જેટલું જ સૈન્યબળ વધારવાનો નિર્ણય કર્યો છે.
બંને દેશો વચ્ચે સરહદે તંગદિલીના વાતાવરણ વચ્ચે હવે આ સમસ્યાનો ઉકેલ લાવવા અમેરિકા આગળ આવ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે, 27મેએ સવારે આ મુદ્દે દરમિયાનગીરી કરવાની દરખાસ્ત કરી છે અને પોતે તેના માટે સક્ષમ હોવાનો દાવો પણ કર્યો છે.
આ નવા ઘટનાક્રમ વચ્ચે ચીને કહ્યું હતું કે લદ્દાખ સરહદે ભારત સાથે સ્થિતિ એકદમ શાંત અને નિયંત્રણ હેઠળ છે. બંને દેશો પાસે વાટાઘાટો અને ચર્ચા કરીને વિવાદોનો ઉકેલ લાવવાનું યોગ્ય તંત્ર અને સંચાર માધ્યમ ઉપલબ્ધ છે. આ સાથે ચીને ટ્રમ્પની મધ્યસ્થીની ઓફર ફગાવી દીધી હોવાનું મનાય છે.
ટ્રમ્પે અગાઉ કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ મધ્યસ્થી કરવા ત્રણથી ચાર વખત દરખાસ્ત કરી હતી, પરંતુ દરેક વખતે ભારતે ટ્રમ્પની દરખાસ્ત ફગાવી દીધી હતી અને કહ્યું કે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય મુદ્દાઓનો ઉકેલ લાવવામાં ત્રીજા પક્ષની કોઈ ભૂમિકાની જરૂર નથી. અમેરિકાના એક વરિષ્ઠ રાજદૂતે ભારત સાથે સરહદ પર ચીન વારંવાર આક્રમક વલણ અપનાવીને યથાસ્થિતિ બદલી રહ્યું હોવાનો આક્ષેપ મૂક્યાના એક સપ્તાહ પછી ટ્રમ્પે અનપેક્ષિત રીતે ભારત અને ચીન વચ્ચે મધ્યસ્થતાની દરખાસ્ત કરી હતી.