ભારતીય આર્મીએ અરુણાચલપ્રદેશમાં ચીન સાથેની વાસ્તવિક અંકુશ રેખા (LAC) પર ઊંચા પર્વતોમાં મોટી સંખ્યામાં L70 નામની વિમાન વિરોધી ગન્સ તૈનાત કરી કરી છે. આ વિસ્તારમાં આર્મીએ અગાઉ M-777 હોવિત્ઝર્સ અને સ્વીડિશ બોફોર્સ ગન પણ ગોઠવેલી છે, એમ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું.
પૂર્વ લડાખમાં ચીન સાથેના 17 મહિનાના વિવાદને પગલે ઇસ્ટર્ન સેક્ટરની આશરે 1,300 કિમી લાંબી વાસ્તવિક અંકુશ રેખા પર ઓપરેશનલ તૈયારીને મજબૂત કરવાના આર્મીના સંખ્યાબંધ પગલાંના ભાગરૂપે આ ગન્સ ગોઠવવામાં આવી છે. એન્ટી એરફ્રાન્ટ ગન્સ 3.5 કિમી સુધી પ્રહાર કરી શકે છે.
કોઇપણ સંભવિતતાનો સામનો કરવા સંપૂર્ણ સજ્જતાના ભાગરૂપે ઇન્ટિગ્રેટેડ ડિફેન્ડેડ લોકાલિટી સહિતના આર્મી યુનિટ્સ દૈનિક ધોરણે આકરી શારીરિક તાલીમ અને મિલિટરી ડ્રિલ કરે છે. ઇન્ટિગ્રેટેડ ડિફેન્ડેડ લોકાલિટી એક ખાસ યુનિટ છે, જેમાં ઇન્ફેન્ટ્રી, એર ડિફેન્સ અને આર્ટિલરી સહિત આર્મીની વિવિધ પાંખના સૈનિકો સામેલ છે.
લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું કે અરુણાચલપ્રદેશના કેટલાંક મહત્ત્વના સ્થળો અને સમગ્ર વાસ્તવિક અંકુશ રેખા પરની કેટલીક સંવેદનશીલ પોઝિશનમાં ત્રણ મહિના પહેલા એપગ્રેડેડ L70 ગન્સ ગોઠવામા આવી હતી અને તેમની ગોઠવણીથી આર્મીના એકંદર ફાયર પાવરમાં મોટો વધારો થયો છે.
આર્મી એર ડિફેન્સના કેપ્ટન સર્યા અબ્બાસીએ જણાવ્યું હતું કે આ ગન માનવવિહોણા તમામ એરિયલ વ્હિકલ, કોમ્બેટ એરિયલ વ્હિકલ્સ, એટેક હેલિકોપ્ટર્સ અને આધુનિક વિમાનોને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. આ ગન્સથી હાઇ રિઝોલ્યુશન ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સર્સ સાથે તમામ પ્રકારની હવામાન સ્થિતિમાં ટાર્ગેટને તોડી પાડવાની અને ઓટોમેટિક ટાર્ગેટ ટ્રેકિંગ કરવાની ક્ષમતામાં વધારો થયો છે. તેમાં ડે-લાઇટ ટીવી કેમેરા, થર્મલ ઇમેજિંગ કેમેરા અને લેસર રેન્જ ફાઇન્ડર પણ છે. આ ગન મઝલ વેલોસિટી રડારથી પણ સજ્જ છે, જેનાથી ચોક્સાઇમાં વધારો થાય છે. છેલ્લાં કેટલાંક મહિનામાં આર્મીએ સરળતાથી ટ્રાન્સપોર્ટ કરી શકાય તેવી એમ-777 અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર ગનની પણ મોટીસંખ્યામાં ગોઠવણી કરી છે.