ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગયા સપ્તાહે અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર થોડા સમય માટે અથડામણ કરી હતી. 9 ડિસેમ્બરના રોજ બંને દેશના સૈનિકો આમને સામને આવી ગયા હતા. બંને બાજુના કેટલાક સૈનિકોને થોડી ઈજાઓ થઈ અને બંને પક્ષો તાત્કાલિક વિસ્તારથી છૂટા પડી ગયા હતા.
માહિતી પ્રમાણે પીપલ્સ લિબરેશન આર્મી LAC સુધી પહોંચી હતી. ચીનના સૈનિકોનો ભારતીય સૈનિકોએ બહાદુરીથી સામનો કર્યો હતો. આ સ્થિતિમાં બન્ને સેના વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટનામાં 20થી 30 સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઘટના બાદ ઈન્ડિયન આર્મીના કમાન્ડર અને ચીનના કમાન્ડર નિર્ધારિત પ્રક્રિયા પ્રમાણે ફ્લેગ મિટીંગ કરી હતી, જેથી શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે.
અત્રે ઉલ્લેખનય છે કે અરુણાચલ પ્રદેશમાં તવાંગ સેક્ટરમાં LAC નજીક કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં ચીન ગેરકાયદેસર રીતે દાવેદારી નોંધાવી રહ્યું છે. આ વિસ્તારમાં ભારતીય જવાન LAC પર ચીનની કોઈ પણ હરકતનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
અગાઉ જૂન 2020 માં ગલવાન ખીણમાં બંને દેશો વચ્ચેના સૈનિકો વચ્ચે હિંસા થઈ હતી. આ અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા અને ચીનના 40 થી વધુ સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા. આ ઘટનાએ પેંગોંગ લેકના દક્ષિણ કાંઠે એક સહિત બે રાષ્ટ્રો વચ્ચેના સંઘર્ષની શ્રેણી શરૂ કરી. ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની અથડામણને પગલે ભારતમાં રાજકારણ પણ ચાલુ થયું હતું.
આ મુદ્દે વિપક્ષે સંસદમાં ચર્ચાની માગણી કરી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લોકસભા બપોરે 12.30 વાગે રાજ્યસભાને સંબોધિત કરવાના છે. મનીષ તિવારી અને સૈયદ નાસિર હુસૈન સહિત કોંગ્રેસના ઘણા નેતાઓએ અનુક્રમે લોકસભા અને રાજ્યસભામાં સરહદ અથડામણ પર ચર્ચાની માંગ કરી છે. AAP સાંસદ રાઘવ ચઢ્ઢા અને RJDના મનોજ ઝાએ રાજ્યસભામાં ચર્ચાની માંગ કરી છે.