ચીને રવિવારે ભારતના પક્ષમાં જી-7 દેશોની વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. જી-7 દેશ ઘઉંની નિકાસ મર્યાદિત કરવાના ભારતના નિર્ણયની ટીકા કરી રહ્યા છે. આ દરમિયાન ચીને કહ્યું કે ભારત જેવા વિકાસશીલ દેશો પર દોષારોપણ કરવાથી વૈશ્વિક ખાદ્ય સંકટ ઉકેલાશે નહીં. ગત સપ્તાહે ભારત સરકારે ઘઉંની નિકાસ નીતિમાં સંશોધન કર્યું અને ઘઉંના નિકાસને ‘પ્રતિબંધિત શ્રેણી’માં રાખવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે, જેમાં કહેવાયું હતું કે સરકારે ઘઉંની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ આ રિપોર્ટની વચ્ચે આશ્ચર્યજનક બાબત એ છે કે ચીનનું મીડિયા વિશ્વના 7 સૌથી શક્તિશાળી દેશોના સમૂહ જી-7ની દ્વારા કરાતી ભારતની ટીકા વિરુદ્ધ ઊભું થઈ ગયું છે. ચીન સરકારના મુખપત્ર ‘ગ્લોબલ ટાઈમ્સ’ના રિપોર્ટ મુજબ ‘ભારત પર દોષ ઢોળવાથી ખાદ્ય સંકટનો ઉકેલ આવશે નહીં.’
આ સાથે ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે, હવે જી-7 દેશોના કૃષિ પ્રધાન ભારતને અપીલ કરી રહ્યા છે કે ભારત ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવે નહીં. તો એવામાં જી-7 દેશ ખુદ ખાદ્ય બજારની સપ્લાય પોતાની નિકાસ વધારીને સંતુલિત કેમ કરતા નથી ? ગ્લોબલ ટાઈમ્સે આગળ કહ્યું કે, ભારત વિશ્વમાં ઘઉંનો બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, પરંતુ ભારતની વૈશ્વિક ઘઉં નિકાસમાં ખૂબ નાની ભાગીદારી છે, જ્યારે તેનાથી ઉલટું અમેરિકા, કેનેડા, યુરોપીય સંઘ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશો ઘઉંના મોટા નિકાસકર્તા દેશો છે.